ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ બ્રહ્મલીન:અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ, અનુયાયીઓમાં શોકનો માહોલ; આવતીકાલે પાલખીયાત્રા

By: Nation Gujarat Team
22 Aug, 2026

ઉમરેઠના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજનું આજે વહેલી સવારે ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના દેવલોક ગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉમરેઠ સહિત આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.ગણેશદાસજી મહારાજના દેવલોક ગમનને પગલે ઉમરેઠની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભક્તોની લાગણી અને અંતિમ દર્શન તથા આવતીકાલે યોજાનારી પાલખી યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગણેશદાસજી મહારાજના નિધનના સમાચાર મળતા જ વહેલી સવારથી સંતરામ મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચીને મહારાજના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.ગણેશદાસજી મહારાજનું જીવન બાળપણથી જ સંતરામ મંદિરની સેવા સાથે જોડાયેલું હતું. તેમના પિતા પણ બાળપણથી સંતરામ મંદિરના સેવક રહ્યા હતા. મહાસુદ પૂનમ-1983ના રોજ ડોંગરેજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં નારાયણદાસજી મહારાજના વરદ હસ્તે તેમણે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી.દીક્ષા બાદ નડિયાદ સંતરામ મંદિર તથા દેરી ખાતે સેવા આપી હતી. ત્યારબાદ ભરતદાસજી મહારાજ અને કૃષ્ણદાસજી મહારાજ સાથે પણ તેમણે સેવાકાર્ય કર્યું હતું.સંતરામ મંદિર સાથે લાંબા સમયથી જોડાયેલા ગણેશદાસજી મહારાજે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી હતી. તેમના નિધનથી ભક્તો અને અનુયાયીઓમાં શોકનો માહોલ છે.

ગણેશદાસજી મહારાજના અંતિમ દર્શન 22 ઓગસ્ટ, શનિવારના રોજ આખો દિવસ શ્રી સંતરામ મંદિર, ઉમરેઠ ખાતે કરી શકાશે.પાલખી યાત્રા 23 ઓગસ્ટ, રવિવારના રોજ સવારે 8 કલાકે યોજાશે. સમાધિ વિધિ પણ 23 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 9 કલાકે શ્રી સંતરામ મંદિર પરિસર, ઉમરેઠ ખાતે કરવામાં આવશે.ગણેશદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 6 સપ્ટેમ્બર, રવિવારે સવારે 6 વાગ્યે વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી અનેક નામી સંતો-મહંતો અને સાધુ ભગવંતોની ઉપસ્થિતિ રહેવાની છે.


Related Posts

Load more