“હિંમત હોય તો દિવસે બેનર ફાડી દેખાડો”, ગેનીબેન ઠાકોરનો ખુલ્લો પડકાર

By: Nation Gujarat Team
07 Oct, 2026

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં જ શહેરનું રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે. આ વચ્ચે વોર્ડ 7માં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચારના પોસ્ટરો ફાડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાતના અંધારામાં લગાવેલા પોસ્ટરો ફાડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ ઘટના બહાર આવતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. ગાંધીનગરની ચૂંટણી પહેલાં જ આ પોસ્ટર વોરે સમગ્ર પાટનગરમાં મોટો વિવાદ જગાવ્યો છે.

સાંસદ ગેનીબેન ઠાકોરના આકરા તેવર

કોંગ્રેસના પ્રચાર બેનરો ફાડી નાખવાની ઘટના સામે આવતાં જ સાંસદ ગેનીબેન ઠાકોર મેદાનમાં ઊતર્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ખૂબ આક્રમક વલણ અપનાવ્યું છે. ગેનીબેને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, રાત્રે કોઈને ખબર ના હોય તેમ બેનર ના ફડાય, તમારી છપ્પન ઈંચની છાતી હોય ને તો દિવસે બેનર ફાડીને દેખાડો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે જો હવે પછી કોંગ્રેસના કોઈ પણ બેનરને હાથ લગાવવામાં આવશે તો જોવા જેવી થશે. કાર્યકરો અને આગેવાનો આવી ગંદી રાજનીતિ જરાય સહન નહીં કરે.

એટલું જ નહીં ગેનીબેને જાહેર મંચ પરથી તેમણે સ્થાનિક પોલીસ પર આરોપ કર્યા કે, અહિંની પોલીસ બધાને ધમકી આપે છે. કોંગ્રેસના કાર્યકરો અને મતદારોને પણ ધમકી આપતી હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે.

રેન્જ IG સમક્ષ ફરિયાદ અને તપાસની માગ

ઉલ્લેખનીય છે કે, બેનર ફાડવાના મામલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું એક મોટું પ્રતિનિધિમંડળ પોલીસ પ્રશાસન પાસે પહોંચ્યું હતું. આગેવાનોએ ગાંધીનગર રેન્જ IG સમક્ષ આ સમગ્ર ઘટના અંગે લેખિત રજૂઆત કરી હતી. તેમણે વોર્ડ 7 અને તેની આસપાસના તમામ CCTV કેમેરા તપાસવાની માગ કરી છે. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું કે શાંત ચૂંટણી માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસે તાત્કાલિક અસરથી જવાબદાર તત્વો સામે ગુનો નોંધીને કડક પગલાં ભરવા જોઈએ.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ

પોસ્ટર ફાડવાની આ ઘટના પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખી તકરાર શરૂ થઈ છે. કોંગ્રેસ પક્ષે સીધો આરોપ લગાવ્યો છે કે હાર ભાળી ગયેલા ભાજપના કાર્યકરોએ જ આ કૃત્ય આચર્યું છે. બીજી તરફ ભાજપના સ્થાનિક ઉમેદવાર શૈલેષ પટેલે આ આરોપોને સદંતર ફગાવી દીધા છે. તેમણે વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે ભાજપને આવી હરકતો કરવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી બાદ અંદરોઅંદર ભારે અસંતોષ છે. તેમની આંતરિક લડાઈમાં જ પોતાના લોકોએ આ પોસ્ટર ફાડ્યા છે. આમ, બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બનતાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.


Related Posts

Load more