Ahmedabad YMCA to Karnavati Club Bridge Work: અમદાવાદના SG હાઈવે પર જતાં આવતા વાહનો ચાલકોને આવનાર સમયમાં મોટી રાહત મળી શકે છે. કર્ણાવતીથી સરખેજ બ્રિજ અને નીચેના રસ્તાનું કામ ઝડપી બનાવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવરાત્રી પહેલાં YMCA ક્રોસ રોડથી પ્રહલાદનગર થઈ કર્ણાવતી જવા માટે ઓવરબ્રિજ નીચેનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
નવરાત્રિ પહેલા ઓવરબ્રિજ નીચેનો રોડ શરૂ થઈ શકે: સૂત્રો
થોડા દિવસો પહેલાં ટ્રાફિક JCP દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓને સ્થળ પર જઈને આદેશ આપવામાં આવ્યો હતો કે, કર્ણાવતીથી સરખેજ બ્રિજનું કામ વહેલામાં વહેલી તકે એક મહિનામાં પૂરું કરવામાં આવે અને નીચેના રોડ પર પડેલા ખાડા તાત્કાલિક પૂરી દેવામાં આવે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નવરાત્રી પહેલાં YMCA ક્રોસ રોડથી કર્ણાવતી જવા માટે ઓવરબ્રિજ નીચેનો રોડ શરૂ કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
વાહનચાલકોની 15 થી 20 મિનિટ બચી જશે
જો YMCA ચાર રસ્તાથી પ્રહલાદનગર ચાર રસ્તા અને કર્ણાવતી ક્રોસ રોડ સુધીનો રસ્તો ખુલ્લો મુકાઈ જાય, તો અત્યાર સુધી વાહનચાલકોને YMCA ક્રોસ રોડથી ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ તરફ ડાયવર્ઝન લઈને 3 કિલોમીટર જેટલો લાંબો ફેરો મારીને કર્ણાવતી ચાર રસ્તા પહોંચવું પડતું હતું, તેમાંથી મુક્તિ મળશે. આ રસ્તો શરૂ થવાથી વાહનચાલકોના 15 થી 20 મિનિટ જેટલા સમયની બચત થશે.
રસ્તા પર રિસરફેસિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં બ્રિજ નીચેના રસ્તા પર પડેલા ખાડા કામચલાઉ ધોરણે પૂરવામાં આવ્યા છે. પરંતુ નવો સર્વિસ રોડ તૈયાર કરીને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યા બાદ ખાડાવાળી જગ્યાએ પેવર બ્લોક અને ડામરથી વ્યવસ્થિત કામ કરવામાં આવશે. હાલમાં બ્રિજ નીચેના રસ્તા પર રિસરફેસિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જે આગામી દિવસોમાં પૂર્ણ થતાં જ બ્રિજ નીચેનો આખો રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે, જેથી નવરાત્રી પહેલાં જ લોકોને મોટી રાહત મળી શકે છે.