RBI REPO RATE : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી દીધો છે. ઊંચા ફુગાવા, રૂપિયામાં નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યીલ્ડસ તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળાને ધ્યાનમાં રાખી લગભગ સાડા ત્રણ વર્ષના ગાળા બાદ વ્યાજ દરમાં પહેલી જ વખત વધારો જોવા મળ્યો છે. આરબીઆઈના રેપો રેટમાં 0.25% ના વધારા સાથે નવો રેપો રેટ 5.25% થી વધીને 5.50% પર પહોંચી ગયો છે. તેની સીધી અસર તમારા હોમ લોનની ઈએમઆઈ અને એફડીના રિટર્ન પર થવાની છે. તમારા ઈએમઆઈ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉની ત્રણ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો હતો.
આ સાથે SDF રેટમાં પણ 0.25% વધારો કરી દેવામાં આવતા તે પણ 5.25% પર પહોંચી ગયો છે. જ્યારે MSF રેટ પણ વધીને 5.75% પર પહોંચાડી દેવાયો છે. ઊંચા ફુગાવાને પરિણામે એશિયાના વિવિધ દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસિ સ્ટાન્સ જાળવી રાખી નજીકના ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધુ વધારો થયો છે અને ક્રુડ ઓઈલના ભાવ પણ બેરલ દીઠ ફરી 100 ડોલર નજીક પહોંચી ગયા છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25 ટકા વધારી 6.50 ટકા કર્યો હતો અને ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં રિઝર્વ બેન્કની છ ટકાની મહત્તમ રેન્જ સુધી પહોંચી જવા સંભવ છે.
આરબીઆઈના આ નિર્ણય સાથે હોમ લોન, કાર લોન લેનારા ગ્રાહકોના ઈએમઆઈ વધી શકે છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમના સંબોધનમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે ગ્લોબલ સ્તરે મોંઘવારી વધવા, એનર્જીની કિંમતો મોંઘી થવા અને ખાણી-પીણી વસ્તુઓના ભાવ પણ વધવા સામે ચિંતા વ્યક્ત કરી હતી.