ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુંઆંક વધ્યો;વધુ એકનો ભોગ લીધો, FSL રિપોર્ટના ચોંકાવનારા આંકડા

By: Nation Gujarat Team
22 Aug, 2026

Bhavnagar Latthakand Case: ભાવનગરમાં સર્જાયેલા ગોઝારા લઠ્ઠાકાંડ અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નકલી દારૂના સેવનના કારણે સારવાર લઈ રહેલા વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે, જેના કારણે આ સમગ્ર દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંકડો વધીને 9 પર પહોંચી ગયો છે. પ્રશાસન અને આરોગ્ય વિભાગ માટે આ ઘટના અત્યંત ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન કરુણ મોત
નકલી દારૂના કારણે જીવ ગુમાવનાર નવા પીડિતની ઓળખ હાર્દિક હરેશભાઈ કિલજી તરીકે થઈ છે. આ યુવાન ઝેરી દારૂના સંપર્કમાં આવ્યા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઝેરની વધુ પડતી અસરના કારણે આખરે સારવાર દરમિયાન હાર્દિકે દમ તોડી દીધો હતો. યુવાન વયે ઘરના મોભી કે યુવાન પુત્રના મોતના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ભાવનગરમાં લઠ્ઠાકાંડ માં કુલ 61 પૈકી 9 લોકોના મોત
આ ભયાનક લઠ્ઠાકાંડ બાદ શહેરની અલગ-અલગ સાત હોસ્પિટલોમાં કુલ 61 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિ મુજબ, સઘન સારવારના લીધે 14 દર્દીઓની તબિયતમાં મોટો સુધારો જોવા મળ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 17 લોકો સંપૂર્ણ સાજા થઈને ઘરે પરત ફર્યા (ડિસ્ચાર્જ થયા) છે. બીજી તરફ, હજુ પણ 3 દર્દીઓની હાલત અત્યંત નાજુક અને ગંભીર બનેલી છે, જેના પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. આ ઉપરાંત, સામાન્ય સારવાર હેઠળ 18 અને પ્રાથમિકથી વધુ સારવાર હેઠળ 17 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

અસામાજિક તત્વો સામે દાખલારૂપ પગલાં લેવા લોકમાનસમાં રોષ 
આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં બુટલેગરો અને ગેસ કે નકલી દારૂના વેપાર સામે કડક કાર્યવાહીની માંગને વધુ તીવ્ર બનાવી દીધી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને ઝેરી દારૂનો જથ્થો પૂરો પાડનારાઓ વિરુદ્ધ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. નિર્દોષ લોકોના ભોગ લેનાર આ અસામાજિક તત્વો સામે દાખલારૂપ પગલાં લેવા લોકમાનસમાં રોષ જોવા મળી રહ્યો છે.

FSL રિપોર્ટના ચોંકાવનારા આંકડા
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે તપાસનો ધમધમાટ ઝડપી બન્યો છે ત્યારે ગાંધીનગર FSL રિપોર્ટમાં એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો થયો છે. મૃતકોએ દારૂના નામે જે પીધું હતું તેમાં અસલી કે શુદ્ધ દારૂ (ઇથેનોલ) નહીં, પરંતુ જીવલેણ ઝેરી મિથેનોલ ભરેલું હોવાનું સાબિત થયું છે. FSL દ્વારા તપાસવામાં આવેલી જપ્ત કરાયેલી દારૂની બોટલોમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું બહાર આવ્યું છે. એફ.એસ.એલ. દ્વારા મૃતકો તેમજ સારવાર લઈ રહેલા 10 જેટલા દર્દીઓના સેમ્પલની સઘન તપાસ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે બૂટલેગરો દ્વારા દારૂના બદલે 38% થી વધુ ઝેરી મિથેનોલ યુક્ત કેમિકલ ગ્રાહકોને વેચવામાં આવી રહ્યું હતું, જે લોકોના જીવ જોખમમાં મૂકવાનું મુખ્ય કારણ બન્યું.

મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી ગૌતમ સોલંકીના ઘરે બનતો હતો દારૂ
આ ગંભીર ગુનાના મુખ્ય સૂત્રધાર અને બૂટલેગર ગૌતમ સોલંકીએ નકલી દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ખાસ કુશળ ગેંગ બોલાવી હતી. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈશ નામના શખ્સે મળીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઇટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના નકલી સ્ટીકરો ખરીદ્યા હતા, જેને ટ્રાન્સપોર્ટ દ્વારા વરતેજ લાવવામાં આવ્યા હતા. દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા માટે ઉજ્જૈનથી ખાસ નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’ને બોલાવવામાં આવ્યો હતો. નરેન્દ્રસિંહે સારસ, ગણેશ અને અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘેર જ આ ઝેરી મિથેનોલયુક્ત નકલી દારૂ તૈયાર કર્યો હતો.

પુરાવા મિટાવવા માટે અવાવરુ જગ્યાએ નાશ
પહેલી વખત બનાવેલી 51 પેટી નકલી દારૂ ગૌતમ અને તેના સાળાએ બજારમાં વેચી દીધો હતો. પરંતુ, જ્યારે બીજી વખત દારૂ બનાવવામાં આવ્યો ત્યારે તેની ગુણવત્તા અત્યંત ખરાબ અને વધુ જોખમી બની ગઈ હતી. આ ભયાનક ભૂલ પકડાઈ જવાના ડરથી આરોપી જતીને ઇથેનોલ અને મિથેનોલના આ જોખમી મિશ્રણવાળા નકલી દારૂનો ભાલના પાળીયાદ ગામે એક અવાવરુ જગ્યાએ નાશ કર્યો હતો જેથી પોલીસથી બચી શકાય. આ પ્રકરણમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદાકીય શિકંજો કસાતો જઈ રહ્યો છે.


Related Posts

Load more