ભાવનગર લઠ્ઠાકાંડથી ગુજરાતમાં રાજકીય ભડકો, ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વિપક્ષ રસ્તા પર, બુટલેગરોને ફાંસી આપવાની માંગ

By: Nation Gujarat Team
22 Aug, 2026

અમદાવાદ: ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે ભાવનગર જિલ્લામાં સર્જાયેલા ગોઝારા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ઝેરી અને રસાયણયુક્ત દારૂ પીવાના કારણે 8 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

આ માનવસર્જિત આપત્તિને પગલે રાજ્યભરમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સામે મોરચો માંડ્યો છે. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો, ધરણાં અને સૂત્રોચ્ચાર સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની માંગણી બુલંદ બની છે.

પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા.

કાર્યકરોએ “શરમ કરો… શરમ કરો… હર્ષ સંઘવી શરમ કરો…” જેવા સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે.

શહેર પ્રમુખ શક્તિ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગરમાં કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે તે સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ગૃહમંત્રી દ્વારા કરવામાં આવતા ‘સબ સલામત’ના દાવા પોકળ સાબિત થયા છે. કોંગ્રેસે માંગ કરી છે કે આવા ઝેરી દારૂનો વેપાર કરતા બુટલેગરોને તાત્કાલિક પકડીને ફાંસીના માચડે ચડાવવામાં આવે.

આમ આદમી પાર્ટી આકરા પાણીએ: ગૃહમંત્રી સામે FIR નોંધવાની માંગ

ભાવનગરની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી (AAP) પણ આક્રમક મૂડમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

તેમણે માંગ કરી છે કે દારૂબંધીનો કાયદો ચુસ્તપણે લાગુ કરવામાં નિષ્ફળ રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે કાયદેસરની FIR દાખલ થવી જોઈએ અને તેમની ધરપકડ થવી જોઈએ.

રાજુભાઈ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, અગાઉ બોટાદમાં પણ આ જ રીતે લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં સરકાર કોઈ નક્કર બોધપાઠ લેતી નથી. રાજ્યમાં દેશી, વિદેશી અને હવે જીવલેણ લઠ્ઠો ખુલ્લેઆમ મળી રહ્યો છે, જેનાથી સામાન્ય પરિવારો બરબાદ થઈ રહ્યા છે. જો સરકાર પ્રજાનું રક્ષણ ન કરી શકતી હોય તો ગૃહમંત્રીએ પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

અરવલ્લી: મોડાસામાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાં અને સૂત્રોચ્ચાર

ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધના પડઘા ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉનહોલ અને મોડાસા ચાર રસ્તા ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ સહિતના આગેવાનો અને કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર સામાન્ય જનતાને હેરાન કરવા પૂરતો રહ્યો છે, જ્યારે બુટલેગરો બેફામ બનીને ગેરકાયદે ધંધો ચલાવી રહ્યા છે.


Related Posts

Load more