ગુજરાતીઓને 48 કલાક બાદ ગરમીમાંથી મળશે રાહત? હવામાન વિભાગની આજની આગાહી

By: Nation Gujarat Team
12 Mar, 2026

અમદાવાદ: દરિયાકાંઠાની સાથે આખા ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં બુધવારના રોજ 11 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો હતો. જેમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 41.9 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા આઠ ડિગ્રી વધારે જોવા મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. જ્યારે અમરેલી, ડીસા, દીવ, ગાંધીનગર, પોરબંદર અને વેરાવળમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. આવી પરિસ્થિતિમાં લોકોને ચિંતા થઈ રહી છે કે, જો માર્ચમાં આવા હાલ છે તો આગામી સમયમાં કેવો ભાવ હોઈ શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, આજે ગુરુવારે 12મી માર્ચના રોજ સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં ગરમ રાત્રિની (warm nights) પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી આગાહીમાં શુક્રવારે 13મી માર્ચના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશનની આગાહી આપવામાં આવી છે. જોકે, 14થી 18મી માર્ચ સુધીમાં કોઈપણ ચેતવણી આપવામાં આવી નથી. આ 18મી માર્ચ સુધીમાં કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી પણ આપવામાં આવી નથી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવતી કાલે 13મી માર્ચ સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં 12 અને 13મી તારીખે હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 42.3 ડિગ્રી સે. નોંધાયું છે. આ તાપમાન માર્ચ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયેલું સેકન્ડ હાઈએસ્ટ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના હવામાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 20મી તારીખ સુધીમાં તો ધીરે ધીરે ગરમી વધશે અને કોઈક કોઈક ભાગમાં તો 44 ડિગ્રી સુધી પણ ગરમી આંબી શકે છે. તારીખ 14થી 18માં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતા છે. 16થી 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગરમીની સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતા રહેતી હોય છે. જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની શક્યતા છે. 16થી 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે, એટલે કહી શકાય કે, 15મી માર્ચ બાદ ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવી શકે છે. 16થી 28 માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે.

Related Posts

Load more