દુખદ સમાચાર – ગુજરાત કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરનનું આજે નિધન થયુ,

By: Nation Gujarat Team
07 Oct, 2026
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ તથા આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા વીરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે નિધન થયું છે.તેઓ વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલીના સાંસદ અને 2017થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા હતા તેમજ અનેક સહકારી સંસ્થાઓમાં પણ સક્રિય રહ્યા હતા. તેમના નિધનના સમાચાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા આપવામાં આવ્યા છે. સમગ્ર કોંગ્રેસ પક્ષમાં દિગ્ગજ નેતાના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે. આજે સાંજે 5 વાગ્યે તેમની સ્મશાન યાત્રા નીકળશે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે જાણીતા હતાં

વીરજી ઠુમ્મર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન હતાં. તેઓ સહકારી ક્ષેત્ર તેમજ ખેડૂતોના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદ સહિત સરકાર સામે અવાજ ઉઠાવતા હતાં. તેઓ પોતાના નિવેદનો અને ભાષણો માટે જાણીતા હતા.વિપક્ષમાં રહીને તેઓ શાસક પક્ષ ભાજપની નીતિઓ પર આકરા પ્રહારો કરતા હતા.તેમનો રાજકીય વારસો તેમની પુત્રી જેની ઠુમ્મર આગળ ધપાવી રહ્યા છે, જેઓ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

વીરજી ઠુમ્મરની રાજકીય કારકિર્દી

વીરજી ઠુમ્મર 2004માં 14મી લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતાં. 1995માં તેઓ કોંગ્રેસના સભ્ય બન્યા હતાં. 1995થી 1998 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં જાહેર ઉપક્રમ સમિતિના અધ્યક્ષ હતાં. 1990થી 1998 સુધી તેઓ ગજરાત વિધાનસભાના સભ્ય હતાં. જ્યારે 1990થી 1995 સુધી તેઓ વિધાનસભામાં સરકારી ખાતરીઓ અંગેની સમિતિ, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હતાં.

Related Posts

Load more