કુદરતના પ્રકોપનો સામનો કરી રહેલા નેપાળમાંથી એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. 26 ઓગસ્ટે આવેલી ભયાનક પૂરની હોનારત બાદ રસુવા અને ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કાટમાળમાં દબાયેલી ટનલમાં ફસાયેલા 2 શ્રમિકોને 9 દિવસ બાદ શુક્રવારે સુરક્ષિત રીતે જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
નેપાળના ઊર્જા મંત્રી બિરાજ ભક્ત શ્રેષ્ઠ અને ગૃહ મંત્રી સૂદન ગુરુંગે આ ચમત્કારિક બચાવની પુષ્ટિ કરી છે. નેપાળી સેનાના નેતૃત્વમાં ચાલી રહેલા આ રેસ્ક્યૂ ઓપરેશનમાં મળેલી આ સફળતાએ અન્ય ફસાયેલા લોકો માટે પણ આશાનું કિરણ જગાડ્યું છે.
1200 થી વધુના મોત, 5000 થી વધુ લોકો હજુ પણ ગુમ
બીજી તરફ, નેપાળમાં આ પૂર અને હિમસ્ખલનને કારણે સર્જાયેલી તબાહીનો આંકડો અત્યંત ડરાવનો છે. ‘રાષ્ટ્રીય આપદા જોખમ ન્યુનીકરણ અને પ્રબંધન પ્રાધિકરણ’ના ડેટા મુજબ, ગુરુવાર સુધીમાં ભોટેકોશી નદીમાં આવેલી આ ભયાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1259 થઈ ગયો છે, જ્યારે 5083 લોકો હજુ પણ ગુમ છે.
અહેવાલો અનુસાર, વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી આશરે 900 શ્રમિકો લાપતા છે, જેમાંથી લગભગ 500 જેટલા શ્રમિકો હજુ પણ સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્વજનોએ કુશા ઘાસના પૂતળા બનાવી કર્યા ‘પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર’
દિવસો વિતવા છતાં પોતાના સ્વજનોની કોઈ માહિતી ન મળતા અને મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બનતા પીડિત પરિવારો હવે હિંમત હારી રહ્યા છે. રસુવા જિલ્લાના પહરેબેસી ગામ સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિવારોએ હિન્દુ ધર્મમાં પવિત્ર મણાતા ‘કુશા ઘાસ’માંથી પૂતળા બનાવીને પોતાના લાપતા સ્વજનોના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.
ભારતની ટીમો રેસ્ક્યૂમાં સક્રિય, નેપાળે ‘હિમાલયન સુનામી’ ગણાવી
આ કુદરતી આપત્તિને નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે ‘હિમાલયન સુનામી’ ગણાવી હતી અને મદદ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયનો આભાર માન્યો હતો. ઘટનાસ્થળે ભારતીય ટનલ રેસ્ક્યૂ ટીમ પણ નેપાળી સેના સાથે મળીને ચિલિમે પાવર હાઉસ અને અન્ય ટનલોમાં બચાવ કામગીરી કરી રહી છે. સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સની મદદથી ટીમો ટનલની અંદર 100 મીટર સુધી પહોંચી ગઈ છે.