World Para Archery Series 2026 : ગુજરાતનું પાટનગર અને વ્યાપારી નગરી અમદાવાદ વધુ એક વૈશ્વિક રમતગમતની ઇવેન્ટનું સાક્ષી બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતના રમતના ઇતિહાસમાં પ્રથમવાર ‘વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે દેશ માટે એક ગર્વની ક્ષણ છે. આ રોમાંચક મહામુકાબલો શહેરના આકર્ષણ સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાવા જઈ રહ્યો છે, જ્યાં વિશ્વભરના દિવ્યાંગ ખેલાડીઓ પોતાની ધનુષવિદ્યાની કલાનું પ્રદર્શન કરશે.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દુનિયાભરના 19 દેશોના 100થી વધુ શ્રેષ્ઠ પેરા આર્ચર્સ ભાગ લઈ રહ્યા છે. મેક્સિકો, બ્રિટન સહિતના અનેક પ્રખ્યાત દેશોના ખેલાડીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતની રમતગમત ક્ષમતાની વધુ એકવાર પ્રતીતિ થશે. આ ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે.
ભારત તરફથી આ સ્પર્ધામાં ટોચના ખેલાડીઓ મેદાનમાં ઉતરી રહ્યા છે, જેઓ અગાઉ પણ દેશનું નામ રોશન કરી ચૂક્યા છે. પેરા ઓલમ્પિકમાં દેશનું ગૌરવ વધારેલું છે તેવા સ્ટાર આર્ચરમાં હરવિંદર સિંહ ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત, પોતાની અદ્ભુત ધનુષવિદ્યા અને પ્રેરણાદાયી સંઘર્ષથી લાખો લોકોના દિલ જીતનારી યુવા ખેલાડી શીતલ દેવી પણ આ મહામુકાબલામાં મેદાનમાં ઉતરશે, જેને લઈને દેશભરના રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટના કિનારે યોજાનાર આ આંતરરાષ્ટ્રીય આર્ચરી સ્પર્ધાથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ટૂરિઝમને પણ વેગ મળશે. વિશ્વમંચ પર ભારતની વધતી તાકાત અને દિવ્યાંગ પ્રતિભાઓનું આ પ્રદર્શન અમદાવાદને વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.