40 ટકા ગ્રેજ્યુએટ્સ બેરોજગાર અને મોંઘવારીએ 19 મહિનાનો રૅકોર્ડ તોડ્યો: 7.8 ટકા વિકાસ દર મુદ્દે કોંગ્રેસનો પ્રહાર

By: Nation Gujarat Team
01 Sep, 2026

India GDP Growth: નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી(GDP) ગ્રોથ રેટ 7.8% નોંધાતાં દેશમાં રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ આ આંકડાઓને દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ ગણાવીને પ્રશંસા કરી હતી. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે સામાન્ય જનતા આજે પણ બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતાથી પીડાઈ રહી છે.

ખડગેનો પીએમ મોદી પર આરોપ: દેશ ‘3 U’થી પીડિત

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું કે જ્યારે અર્થતંત્રની વાત આવે છે ત્યારે પીએમ મોદી માત્ર પ્રચાર પર ધ્યાન આપે છે. તેમણે દાવો કર્યો કે દેશના સામાન્ય લોકો ‘3 U’થી પરેશાન છે – એટલે કે અનપ્રિસિડેન્ટેડ બેરોજગારી (પહેલા ક્યારેય ન જોઈ હોય એવી બેરોજગારી), અનબિયરેબલ મોંઘવારી (અસહ્ય મોંઘવારી) અને અનબ્રાઇડલ્ડ અસમાનતા (નિયંત્રણ વગરની અસમાનતા). ખડગેએ જણાવ્યું કે 50 વર્ષમાં બેરોજગારી સૌથી ઉચ્ચ સ્તરે છે અને ગ્રેજ્યુએટ થયેલા 40 ટકા યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે.

મોંઘવારી અને કોર્પોરેટ દેવા માફી પર સવાલો

મોંઘવારી અંગે વાત કરતાં ખડગેએ જણાવ્યું કે રિટેલ ફુગાવો 19 મહિનાની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. ખાંડ, ડુંગળી, ટામેટાં, દાળ, ચોખા અને દૂધ જેવી દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સામાન્ય લોકોની પહોંચ બહાર થઈ રહી છે. તે ઉપરાંત તેમણે અસમાનતા અંગે સરકારને ઘેરતાં કહ્યું કે, ‘દેશની 40% સંપત્તિ માત્ર 1% અમીરો પાસે છે. 2014થી અત્યાર સુધીમાં સરકારે 16 લાખ કરોડ રૂપિયાથી વધુના કોર્પોરેટ દેવા હિસાબમાંથી માંડી વાળવામાં આવ્યા છે.’

પીએમ મોદીએ જીડીપી ગ્રોથને દેશની સફળતા ગણાવી

કોંગ્રેસના આક્ષેપો સામે પીએમ મોદીએ 7.8%ના જીડીપી ગ્રોથને દેશની મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે વૈશ્વિક પડકારો, યુદ્ધની સ્થિતિ અને સપ્લાય ચેઇનની વિક્ષેપિત પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારત અર્થતંત્રના ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેટલાક લોકો દેશમાં નિરાશા ફેલાવવાનું કામ કરી રહ્યા છે, પરંતુ ભારતની જનતાની મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિને કારણે દેશે આ મોટી સફળતા મેળવી છે.


Related Posts

Load more