દેશભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મંદિરોમાં ભક્તોની ભારે ભીડ

By: Nation Gujarat Team
04 Sep, 2026

Janmashtami 2026 Live Updates: ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે. મથુરા અને વૃંદાવનથી લઈને દેશના ખૂણે-ખૂણે આવેલા કૃષ્ણ મંદિરોને દૌલત અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. મધ્યરાત્રિએ 12 વાગ્યે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના જયઘोष સાથે લાલાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં લાખો ભક્તો જોડાયા છે. દહીંહાંડીના મહોત્સવ, ભક્તિસંગીત અને મનમોહક ઝાંખીઓ દ્વારા સમગ્ર દેશ કૃષ્ણમય બન્યો છે.

ભાવનગરમાં જન્માષ્ટમી મહોત્સવ: કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક મેળાનો પ્રારંભ

ભાવનગરમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ત્રણ દિવસીય સાંસ્કૃતિક મેળામાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા અને નિમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. આ મેળામાં ગુજરાતના જાણીતા ગાયકો ઉર્વશી રાદડિયા અને બિરજુ બારોટે કૃષ્ણ ગીતો રજૂ કરી લોકોને ઝૂમાવ્યા હતા. આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, લોકમેળો માત્ર મનોરંજન નથી પરંતુ પરસ્પર સંબંધો વિકસાવવાનો અને મળવાનો અવસર છે.

શામળાજીમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ, ભગવાન શામળિયાની મંગળા આરતી અને જળાભિષેક

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શામળિયાની મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો, જેમાં પુજારીઓ દ્વારા પંચામૃત સાથે ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું.

અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવ

અમદાવાદના ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યે ભગવાનની હિંડોળા સેવા યોજાશે અને સવારે 9:30 વાગ્યે લાડુ ગોપાલ તથા રાધા માધવનો અભિષેક કરાશે. આ ઉપરાંત, દિવસભર વિવિધ પવિત્ર દ્રવ્યો દ્વારા ઠાકોરજીનો અભિષેક કરવામાં આવશે.

દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોનો ઘસારો

જન્માષ્ટમી પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે. શામળાજી મંદિરમાં ગર્ભગૃહને 100 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને યુવા મંડળ દ્વારા 100 મટકીઓ ફોડાશે. ભાલકા તીર્થ સહિતના તમામ મંદિરોમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે, અને રાત્રે 12 વાગ્યે ભવ્ય જન્મોત્સવ સાથે વિશેષ આરતી યોજાશે.

 


Related Posts

Load more