Gujarat Talati Job Chart: ગુજરાતના તલાટી મંત્રીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી રહેલી માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીના જોબચાર્ટ સત્તાવાર રીતે અલગ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી હવે સ્પષ્ટ રીતે અલગ થઈ ગઈ છે. આ નિર્ણયથી બન્ને કેડરના કર્મચારીઓની કામગીરી હવે એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે, જેનાથી ગ્રામ્ય સ્તરે વહીવટી ગૂંચવણો દૂર થશે અને કામગીરી વધુ ઝડપી બનશે.
જોબચાર્ટ અલગ કરવાની હતી માંગ
મહેસુલી અને રેવન્યુ તલાટીઓના જોબચાર્ટ અલગ કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી, જેને હવે સરકારે મંજૂર આપી છે. મહેસૂલ વિભાગના નવા ઠરાવ અતર્ગત બન્ને કેડરની જવાબદારીઓનો નક્કી કરવામાં આવી છે. હવે કામગીરી અને જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણી થવાથી ભવિષ્યમાં થતી અસમંજસતા અને ઓવરલેપિંગની સમસ્યાઓનો અંત આવશે.
મહેસૂલ વિભાગના નવા ઠરાવ અનુસાર, મહેસૂલી તલાટીઓને હવે મુખ્યત્વે જમીન અને મહેસૂલને લગતા કાર્યો સોંપવામાં આવ્યા છે. જેમાં જમીન મહેસૂલની વસૂલાત, જમીન રેકર્ડ અને મહેસૂલ કાયદા સંબંધિત કામગીરી સંભાળશે. તેમજ જમીનના રેકર્ડ, હદનિશાન, સરકારી જમીન, ગૌચર, ખાણ-ખનિજ અને જમીન દબાણ અંગેની કામગીરી મહેસૂલી તલાટીને સોંપવામાં આવી છે.
તલાટી કમ-મંત્રીની નવી જવાબદારીઓ અને કામગીરી
બીજીતરફ તલાટી કમ-મંત્રી હવે પંચાયત અધિનિયમ અને નિયમો હેઠળ ગ્રામ પંચાયતના સચિવ તરીકેની કામગીરી સંભાળશે. જેમાં સરકારી યોજનાઓના ગ્રામ્ય અમલીકરણ, પંચાયતના વિકાસકાર્યો, જન્મ-મરણ નોંધણી, વિવિધ પ્રમાણપત્રો અને ગ્રામ વિકાસની કામગીરી તલાટી કમ-મંત્રીને સોંપવામાં આવી છે. સાથે જ ગામતળ, પંચાયત હસ્તકની જમીન, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ સહિતની ગ્રામ પંચાયતલક્ષી કામગીરી તલાટી કમ-મંત્રી કરશે.
વહીવટી સરળતા તરફ એક મોટું પગલું
મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રી વચ્ચે કામગીરી તથા જવાબદારીની સ્પષ્ટ વહેંચણીથી વહીવટી ગૂંચવણ દૂર થશે. અગાઉ બન્ને પદો વચ્ચે કામગીરીનું ભારણ અને મિશ્રણ હોવાને કારણે કર્મચારીઓ અને અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રી ની ભૂમિકાઓ સ્પષ્ટ રીતે વહેંચી દેવાતા ગ્રામ્ય સ્તરે વહીવટી પારદર્શિતા વધશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ વધુ સરળ બનશે.