IND vs UAE match Report: એશિયાકપ 2025ની શરૂઆત ગઈ કાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ સામે 94 રનથી જીતી મેળવી હતી. જયારે આજે 10 મી સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા અને યુ.એ.ઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે UAEને 9 વિકેટથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત થઈ છે. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. UAEની ટીમ પહેલા બેટિંગ કરતા 57ના નાના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં કુલદીપ યાદવને 4 તો શિવમ દુબેને 3 વિકેટ રૂપી સફળતા મળી. જેના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે આ ટોટલને 5મી ઓવરમાં જ ચેઝ કરી લીધો.
યુએઈની ટીમ જ્યારે પ્રથમ બેટિંગ માટે ઉતરી ત્યારે તેની પ્રથમ વિકેટ 26 રનના સ્કોર પર પડી. પરંતુ આગામી 31 રન બનાવવામાં યુએઈએ 9 વિકેટ ગુમાવી દીધી. કુલદીપે આ મેચમાં 4 વિકેટ લીધી, જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ ઝડપી. 58 રનના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે અભિષેક શર્માના 16 બોલમાં 30 રન, ગિલના નોટઆઉટ 9 બોલમાં 20 રન અને કેપ્ટન સૂર્યાના નોટઆઉટ 7 રનની મદદથી આ મેચ 4.3 ઓવરમાં જ ચેઝ કરી લીધી. ભારતની આગામી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે.
પ્રથમ બેટિંગ માટે ઉતરેલી યુએઈ માટે ઈનિંગની શરૂઆત કેપ્ટન મોહમ્મદ વસીમ અને શરાફૂએ કરી. પ્રથમ બે ઓવરમાં યુએઈએ આક્રમક બેટિંગ કરી. પરંતુ ચોથી ઓવરમાં યુએઈને પ્રથમ આંચકો લાગ્યો જ્યારે બુમરાહે શરાફૂને બોલ્ડ કર્યો. શરાફૂના બેટમાંથી 22 રન આવ્યા. ત્યારબાદ પાંચમી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ જોહેબને આઉટ કર્યો. 5 ઓવર બાદ યુએઈનો સ્કોર 32-2 હતો. ત્યારબાદ મોહમ્મદ વસીમ પાસેથી મોટી આશાઓ હતી. પરંતુ કુલદીપ યાદવે તોફાન મચાવ્યું. તેમણે એક પછી એક યુએઈને આંચકા આપ્યા, જેનાથી યુએઈની ઈનિંગ લડખડી ગઈ. કુલદીપ બાદ શિવમ દુબેએ પણ બોલિંગથી તબાહી મચાવી અને યુએઈની ટીમ માત્ર 57 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ.
પ્લેઈંગ 11
ભારતીય ટીમઃ અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન),સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન(વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રતિ બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
UAEની ટીમ: મોહમ્મદ વસિમ (કેપ્ટન), આલીશાન શરફૂ, મોહમ્મદ ઝોહેબ, રાહુલ ચોપરા (w), આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પરાશર, મોહમ્મદ રોહીદ ખાન, જુનેદ સિદ્દીક, સિમરનજીત સિંહ.
ભારત અને UAE વચ્ચે કેટલી મેચ રમાઈ છે?
ભારત અને UAE વચ્ચે અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં માત્ર એક મેચ રમાઈ છે. જેમાં UAE ટીમને વર્ષ 2016 માં ટીમ ઈન્ડિયા સામે નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી આજે UAEની ટીમ બીજીવાર ભારત સામે મેચ ટકરાઈ.
દુબઈના મેદાનમાં સૌથી વધુ સ્કોર 212 રન
અત્યાર સુધીમાં દુબઈના મેદાનમાં 110 T20 મેચ રમાઈ છે. જેમા બેટિંગ કરનારી ટીમ 51 વખત અને બીજી ઇનિંગમાં બેટિંગ પર ઉતરેલી ટીમ 58 વખત જીતી છે. પહેલી ઇનિંગમાં સરેરાશ સ્કોર 139 અને બીજી ઇનિંગમાં 123 રહ્યો છે. દુબઈના મેદાનમાં સૌથી વધુ સ્કોર 212 રન અને સૌથી ઓછો 98 રનનો રહ્યો છે.