અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં પોતાના બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે વેનેઝુએલાનો ઉલ્લેખ કર્યો. તેમણે વેનેઝુએલાને અમેરિકાનો નવો મિત્ર અને ભાગીદાર ગણાવ્યો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ વેનેઝુએલા પાસેથી 80 મિલિયન બેરલ તેલ લીધું છે, જે વધતા સંબંધોનો સંકેત છે.
ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના એ નિર્ણયને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો, જેમાં તેમના ટેરિફ લાદવાના નિર્ણયને ખોટો ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે ટ્રમ્પે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ કહ્યો ત્યારે ડેમોક્રેટ નેતાઓએ તાળીઓ પાડી હતી. ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા હતા.
બીજી તરફ વિપક્ષી ડેમોક્રેટિક સાંસદોએ ટ્રમ્પનો વિરોધ કર્યો. કેટલાક સાંસદો અલગ પ્રકારના કપડાં અને બેજ પહેરીને આવ્યા હતા. આ દ્વારા એપ્સટીન ફાઈલ જાહેર કરવા અને સર્વાઈવરની સાથે ઊભા રહેવાની વાત કહેવામાં આવી હતી. આ દરમિયાન એપ્સટીન સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલી ઘણી પીડિત મહિલાઓ પણ સંસદમાં હાજર રહી હતી.
દર વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આ ભાષણ થાય છે
અમેરિકામાં રાષ્ટ્રપતિ દર વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કોંગ્રેસને સંબોધિત કરે છે, જેને ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ કહેવામાં આવે છે. સ્ટેટ ઓફ ધ યુનિયનના દિવસે સંસદની પ્રતિનિધિ સભા અને સેનેટના સભ્યો હાઉસ ચેમ્બરમાં એકઠા થાય છે.
હાઉસના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ, જેઓ સેનેટના અધ્યક્ષ પણ હોય છે, રાષ્ટ્રપતિની પાછળ ઊંચા મંચ પર બેસે છે. જ્યારે રાષ્ટ્રપતિ સંસદમાં પહોંચે છે ત્યારે હાઉસના સાર્જન્ટ-એટ-આર્મ્સ તેમના આગમનની ઘોષણા કરે છે. આ પછી સ્પીકર રાષ્ટ્રપતિનો પરિચય કરાવે છે અને રાષ્ટ્રપતિ કોંગ્રેસને પોતાનું ભાષણ આપે છે.