તા. ૨ નવેમ્બરને રવિવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની ૧૮૧મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી અબજીબાપાચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ, ૧૨ કલાકની ધૂન, સત્સંગ સભા, પ્રાગટ્ય ઉત્સવ, સંતવાણી આદિ કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, જીવનપ્રાણ બાપાશ્રીના દર્શન આશીર્વાદનો લાભ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રાપ્ત થયો હતો, અને તેમણે જીવનપ્રાણ બાપાશ્રીના જીવન ઉપર શ્રી અબજીબાપાશ્રીચરિત્રામૃત સુખસાગર નામનો ૧૨૦૦થી વધુ પેજના અદ્ભૂત ગ્રંથની પણ રચના કરી છે. આ અદ્ભૂત ગ્રંથની પારાયણ કરવામાં આવશે. આ ગ્રંથમાં આપણામાં રહેલા કામ, ક્રોધાદિ દોષોને ટાળવાનો ઉપાય, માનસિક સ્ટ્રેસમાંથી મુક્ત કેમ થવાય ? શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મ્ય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. તેથી આ ગ્રંથ જીવનમાં એકવાર અવશ્ય વાંચવો જોઈએ.