સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી નિત્યમુક્તદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન – પાટડી મુકામે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી અબજીબાપાશ્રીનું સ્મરણ કરતાં કરતાં શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયા થયા છે. તેમની અંતિમ વિધિ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક સંસ્થાના સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન – પાટડીની અંદર એક પાલખીની અંદર સૌને અંતિમ દર્શન કરવાનો સૌને લાભ આપવામાં આવ્યો હતો. પાટડી ગામમાં નગરજનોને પણ તેમના દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે માટે અંતિમ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. શ્રી નિત્યમુક્ત સ્વામીજીના પ્રત્યક્ષ દર્શનનો લાભ હવે સૌને નહિ મળે તેવા આ સમાચારની જાણ થતાં જ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોના હૃદય દુઃખની લાગણીમાં ડૂબી ગયા હતા.
આ પ્રસંગે સ્વામીના ગુરુબંધુ શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી નિત્યમુક્ત સ્વામીનું સમગ્ર જીવન સૌના માટે પ્રેરણાદાયી રહ્યું છે. તેમનામાં એક આદર્શ સંતના દરેક ગુણોના દર્શન થતાં હતા. તેમના દર્શને સૌના હૃદયમાં શાંતિ સ્થપાઈ જતી હતી તેવા તે વિરલ સંત હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કચ્છના સંત શ્રી અબજીબાપાશ્રીએ પ્રવર્તાવેલા સિંદ્ધાંતોના પ્રચાર ને પ્રસાર માટે શ્રી નિત્યમુક્તદાસજી સ્વામીએ પોતાનું ૧૦૦ વર્ષનું સમગ્ર જીવન રાત – દિવસ જોયા વગર સંપ્રદાયની સેવામાં સમર્પિત કરી દીધું હતું. આવા સંતની આ પૃથ્વી ઉપરથી વિદાયનું દુઃખ સૌના માટે અસહ્ય બની રહેશે.
આવા વિરલ સંતની શ્રદ્ધાંજલિ સભા તા. ર૩ – ર – ર૦રપ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન મંદિર – પાટડી દ્વારા શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૮ -૦૦ થી ૧ર – ૦૦ રાખવામાં આવેલ છે.