Piyush Chawla Retires: છેલ્લા એક મહિનામાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને કોહલીની ટેસ્ટ નિવૃત્તિનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેને પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે અચાનક ODIમાંથી નિવૃત્તિ લઈને ફેન્સને ચોકાવી દીધા હતા. હવે વધુ એક ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. IPL 2025 સમાપ્ત થતાં જ આ ભારતીયે આ નિર્ણય સંભળાવ્યો છે.
આ ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ લીધી
2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. લગભગ બે દાયકાની કરિયરને વિરામ આપતા તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. પીયૂષ ચાવલા IPLમાં સંયુક્ત રીતે ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 192 વિકેટ છે. તે છેલ્લે IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘બે દાયકાથી વધુ સમય સુધી મેદાન પર રહ્યા બાદ હવે સમય આવી ગયો છે કે, હું આ ખુબસુરત ખેલને અલવિદા કહું.’ તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કરીને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ બનવું એ તેમના જીવનના આશીર્વાદ ગણાવ્યા અને લખ્યું કે, આ યાદો હંમેશા તેમના હૃદયમાં રહેશે. તેમણે કહ્યું કે, IPL તેમની કરિયરનો ખૂબ જ ખાસ પ્રકરણ રહ્યો છે.
IPL ફ્રેન્ચાઇઝીનો માન્યો આભાર
પીયુષે કહ્યું કે, ‘હું તે બધી ફ્રેન્ચાઇઝીનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમણે મારા પર વિશ્વાસ કર્યો. પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો હું આભાર માનું છું. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની દરેક ક્ષણને સંપૂર્ણ રીતે મેં જીવી છે.’ પોતાના કોચ અને પરિવારને યાદ કરતા ચાવલાએ લખ્યું કે, ‘હું મારા કોચ (શ્રી કે.કે. ગૌતમ અને સ્વ. શ્રી પંકજ સારસ્વત) પ્રત્યે આભાર વ્યક્ત કરું છું, જેમણે મને તૈયાર કર્યો અને મને ખેલાડી બનાવ્યો જે હું બન્યો.’ તેમણે પોતાના પરિવારને પોતાની શક્તિનો આધારસ્તંભ ગણાવ્યો અને પોતાના સ્વ. પિતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, ‘મારા પરનો તેમનો વિશ્વાસ એ પ્રકાશ હતો જેણે મને રસ્તો બતાવ્યો. તેમના વિના આ સફર શક્ય ન હોત.’
ક્રિકેટ કારકિર્દી પર એક નજર
પીયુષ ચાવલાએ ભારત માટે 3 ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી હતી. તેણે કુલ 43 વિકેટ લીધી હતી. તે 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો, જે તેની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. તેણે ભારત માટે 2012માં ઇંગ્લેન્ડ સામે T20 મેચ તરીકે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ઘરેલુ ક્રિકેટમાં ચાવલાના રેકોર્ડ પણ ખૂબ પ્રભાવશાળી રહ્યો છે. તેણે 137 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 446 વિકેટ લીધી હતી, તેમજ બેટથી યોગદાન આપ્યું હતું અને છ સદીની મદદથી 5486 રન બનાવ્યા હતા. IPLમાં ચાવલાની કારકિર્દી ખૂબ જ સફળ રહી હતી. તેમણે 2012 અને 2014 માં કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે બે વાર ટાઇટલ જીત્યું હતું.