પરિવારના સભ્યો તુષાર ઘેલાણીનો ‘ATM’ તરીકે ઉપયોગ કરતા’ મારા પર 300 બાળકોની જવાબદારી

By: Nation Gujarat Team
25 Feb, 2026

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે. પૂનમની ધરપકડ કરાયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. જેમાં પૂનમ તરફથી ઘેલાણી પરિવારના સભ્યો તરફ ગંભીર આક્ષેપો કરાયો છે. પોતાના પર 300 બાળકોની જવાબદારી હોય તેના ભવિષ્યનું કારણ આગળ ધરી જામીનની માગણી કરવામાં આવી છે. ઘેલાણી પરિવારના સભ્યો તુષાર ઘેલાણીનો ATM તરીકે ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે યોજાશે.

‘તુષારભાઈ પોતાના પરિવારના વર્તનથઈ દુઃખી હતા’ પૂનમ ભદોરિયાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે વર્ષ 2010થી તુષાર ઘેલાણીના સંપર્કમાં હતી. તેણે આક્ષેપ કર્યો છે કે તુષારભાઈ તેમના પરિવાર સાથે સુખી હોવાનો બહારથી દેખાવ કરતા હતા, પરંતુ હકીકતમાં તેઓ પરિવારના વર્તનથી ખૂબ જ દુઃખી હતા. પરિવાર તેમને માન-સન્માન આપવાને બદલે તેમની ઉપેક્ષા કરતો હોવાનું પૂનમે અરજીમાં જણાવ્યું છે.

એટીએમ’ તરીકે ઉપયોગ થતો હોવાનો દાવો પૂનમના જણાવ્યા અનુસાર, તુષાર ઘેલાણીનો પરિવાર તેમનો માત્ર એક ‘એટીએમ’ મશીન તરીકે જ ઉપયોગ કરતો હતો. તેમને માત્ર પૈસા કમાવવાના સાધન તરીકે જોવામાં આવતા હતા અને તેમની ભાવનાઓની કોઈ કદર કરવામાં આવતી નહોતી. આ બાબતની જાણ તુષારભાઈના પિતા અને બહેનને પણ હતી તેવો ગંભીર દાવો પૂનમે કર્યો છે.

મોટી દીકરીના વર્તનને લઈ સવાલ ઉઠાવ્યા અરજીમાં સૌથી ચોંકાવનારો આક્ષેપ તુષારભાઈની મોટી દીકરી સામે કરવામાં આવ્યો છે. પૂનમના જણાવ્યા મુજબ વિદેશથી અભ્યાસ કરીને આવ્યા બાદ દીકરી પિતા સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરતી હતી. તે પિતાને પિતા તરીકે સન્માન આપવાને બદલે સામો જવાબ આપતી અને ઘરના અન્ય સભ્યોને પણ તેમની વિરુદ્ધ ઉશ્કેરતી હતી, જેના કારણે તુષારભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

ચોંકાવનારા વોટ્સએપ સ્ક્રીનશોટ રજૂ કર્યા પૂનમે પુરાવા તરીકે કોર્ટમાં કેટલાક સ્ક્રીનશોટ રજૂ કર્યા છે, જેમાં દીકરીએ પિતાને ‘મિસ્ટર તુષાર ઘેલાણી’ કહીને સંબોધ્યા છે. એક મેસેજમાં દીકરીએ લખ્યું હતું કે, “ચિંતા ના કરશો, મારે મારી જાત વેચીને પણ તમારા રૂપિયા ચૂકવી દેવા પડશે તો કરી દઈશ, તમે હવે મજા લો અને ખુશ થાઓ.” આ મેસેજ પિતા માટે અત્યંત આઘાતજનક હોવાનું પૂનમે જણાવ્યું છે.

‘પિતાની દરેક મુવમેન્ટ પર દીકરી દેખરેખ રાખતી હતી’ પૂનમનો વધુ એક ગંભીર આરોપ છે કે,દીકરી તેના પિતાના દરેક મૂવમેન્ટ પર નજર રાખતી હતી. તુષારભાઈ કોની સાથે ફોન પર વાત કરે છે, કોની સાથે ચેટ કરે છે અને કાર લઈને ક્યાં જાય છે તે તમામ વિગતો મેળવીને તે પિતાને સંપૂર્ણપણે કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતી હતી. આ સતત દેખરેખથી તેઓ ગૂંગળામણ અનુભવતા હતા.

300 બાળકોના ભવિષ્યનો હવાલો પોતાના જામીન માટે પૂનમે દલીલ કરી છે કે તે વેસુ વિસ્તારમાં ‘બ્લ્યુ પેપિલોન’ નામની સ્કૂલ ચલાવે છે, જેમાં 250 થી 300 નાના બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના શિક્ષણ અને શાળાના વહીવટની જવાબદારી તેના શિરે હોવાથી, જો તેને જામીન નહીં મળે તો શાળાનું સંચાલન ખોરવાઈ જશે અને સેંકડો બાળકોનું ભવિષ્ય જોખમાશે.

આપઘાતના આગલા દિવસની સ્થિતિ અરજીના અંતે પૂનમે જણાવ્યું કે આપઘાતના એક દિવસ પહેલા એટલે કે 31મી જાન્યુઆરીએ સાંજે તુષારભાઈ સાથે તેની વાત થઈ હતી ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. પૂનમના મતે, તે સમયે કોઈ પણ રીતે તેઓ આપઘાત કરે તેવું જણાતું નહોતું. હવે આ મામલે ગુરુવારે કોર્ટમાં વધુ સુનાવણી થશે.

ચાર દિવસ પહેલા સ્વ. તુષાર ઘેલાણીના પુત્રીએ પૂનમ ભદોરિયા સામે ફરિયાદ નોંધાવી હતી સ્વ. તુષાર ઘેલાણીની પુત્રીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પિતા જ્યારે ઉદાસ રહેતા હતા ત્યારે કારણ જાણવા મેં પ્રયાસ કરતા પિતાએ મને જણાવ્યું હતું કે, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મારે એક પૂનમ ભદોરીયા નામની મહિલા સાથે પંદરેક વર્ષથી અનૈતિક સંબંધો છે. જે અનૈતિક સંબંધોના કારણે પૂનમ મને ખૂબ હેરાન પરેશાન કરે છે અને મારું આર્થિક-માનસિક શોષણ કરે છે. હું તેનાથી કંટાળી ગયો છું અને છુટકારો લેવા માંગુ છું. પણ તે મને છોડતી નથી. આ વાતની તારી મમ્મીને જાણ થશે તો તે ખૂબ દુઃખી થશે. હું નથી ચાહતો કે , મારી ભૂલના લીધે મારા પરિવારના સભ્યો હેરાન થાય અથવા દુઃખી થાય.

પિતા (તુષારભાઈ)એ વધુમાં જણાવ્યું હતું કે, વેસુ ખાતે આવેલ ‘બ્લૂ પેપીલોન’ના નામથી પ્રિ પ્રાયમરી સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ ચાલુ કરવામાં તમામ નાણાં મે જ રોકાણ કરેલા હતા. મારે પૂનમ સાથે અનૈતિક સંબંધ હોય તેનો લાભ ઉઠાવીને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી આ સ્કૂલમાં 50 ટકાની ભાગીદારીનો કરાર પણ મારી પાસે કરાવી લીધેલ છે અને સ્કૂલનું તમામ મેનેજમેન્ટ પોતાની જાતે જ કરે છે. આ સ્કૂલનું બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આપણે જ બનાવેલ છે અને તે જગ્યા પણ આપણી માલિકીની છે તેવી વાત કરી હતી. ત્યારે મેં મારા પિતાને ખૂબ હિંમત આપી હતી અને કહ્યું હતું કે, આનો આપણે સાથે મળીને કોઈ રસ્તો કાઢીશું.

પિતાને હેરાન પરેશાન ન કરવા દીકરીઓએ પણ પૂનમને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ, ત્યારબાદ પણ પૂનમ મારા પિતાને હેરાન પરેશાન કરતા હોય અને વારંવાર ફોન કરતી હતી. મારા પિતાના તેની સાથે અનૈતિક સંબંધની જાણ સમાજમાં અને પરિવારના સભ્યોને કરવાની ધમકી આપતી હોય મેં મારા પિતાને પૂનમના ઘરનું સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ હું અને મારી નાની બહેન જુલાઈ-2025માં પૂનમને મળવા તેના ઘરે ગયા હતા. અમે રૂબરુ મળઈને મારા પિતાને હેરાન નહીં કરવા સમજાવતા તે મારા પર ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, તું તારા પિતાને ક્યાં સારુ રાખે છે અને તુષાર મારો જ છે અને તેને મારો કરી લેવાનો છે અને તે મારું કહ્યું નહીં માને તો તેને પુરો કરી નાખવાનો છે. જે રીતે સ્કૂલમાં 50 ટકાનો ભાગ મેળવી લીધો છે તેમ તેની તમામ મિલકતમાં મારે 50 ટકા મિલકત મારા નામે કરાવી લેવાની છે. તારા પિતાને કહી દેજે જો મને મિલકતમાં ભાગ નહીં આપે તો હું તેનું જીવવાનું હરામ કરી દઈશ અને સમાજમાં પણ બદનામ કરી તેને ક્યાંયનો નહીં રહેવા દવ. પૂનમે ધમકી આપતા હું અને મારી બહેન ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ પણ પૂનમે મારા પિતાને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

‘દીકરીના લગ્નમાં આવી તુષાર ઘેલાણીને પરેશાન કરવા પૂનમે ધમકી આપી હતી’ તુષાર ઘેલાણીના પુત્રીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારા 5મી ફેબ્રુઆરીએ લગ્ન હોય અમે ખૂબ આનંદથી તૈયારીઓ કરી રહ્યા હતા. 1 ફેબ્રુઆરીએ લગ્નની કંકોત્રીનું લેખન રાખેલ હતું. 31મી જાન્યુઆરીએ હું અને મારા પિતા આજુબાજુમાં બેસેલા હતા ત્યારે સાંજના સમયે મારા પિતાના મોબાઈલ પર પૂનમનો ફોન આવ્યો હતો. પિતાએ ફોન રિસિવ કરીને વાતચીત કરતા હતા ત્યારે ખૂબ દુઃખી થઈ ગયા હતા. મેં પિતાને પૂછ્યું તો તેને કહ્યું કે, આ પૂનમ તારા લગ્નમાં આવીને ભવાડો કરીને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે છે. વારંવાર ફોન કરી મિલકત તથા નાણા બાબતે અલગ અલગ માગણીઓ કરી મને હેરાન કરી દીધો છે. તારા લગ્ન થઈ જાય એટલે બસ, આ પૂનમ મને જીવવા નહીં દે અને હું તારા લગ્ન પછી તો આનો કોઈ રસ્તો શોધી કાઢીશ. મારાથી હવે જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. હું હવે હારી ગયો છું. જેથી મેં મારા પિતાને ધરપત આપી હતી.

પિતાની માલિકીની બે દુકાનો પૂનમે પડાવી લીધી- દીકરી મારા પિતા મરણ ગયા બાદ તેઓની લાશનો કબ્જો અમોને સોપેલ હતો અને સોપ્યા પછી અમોએ મારી પિતાની લાશની અંતિમવિધિ કરેલ હતી ત્યાર પછી અમોને જાણવા મળેલ છે તે મુજબ અમારી માલિકીની જોલી આર્કેડની ગ્રાઉન્ડ ફલોરની બંન્ને દુકાનો મારા પિતાના નામ પર ચાલી આવેલ હતી તે બન્ને દુકાનો આ પુનમબેનનાઓએ મારા પિતા પાસેથી પડાવી લીધેલ છે અને બન્ને દુકાનના મળી કુલ્લે રૂપીયા 1.07 કરોડ અવેજ પેટેના કે, જે દસ્તાવેજમાં દર્શાવેલ છે તે આજદીન સુધી આપેલ નથી.

‘સ્કૂલમાં 50 ટકાની ભાગીદારી રાખી 7 વર્ષમાં પૂનમે 1.37 કરોડનો પગાર મેળવ્યો’ તેમજ અમારી આ ‘BLUE PAPILLON’ નામની સ્કુલનુ વહીવટી કામ સી.એ. ઇશાંત ત્રિવેદી નાઓ સંભાળતા હોય તેઓ પાસે જઇ તપાસ કરતા આ પુનમબેનનાઓ અમારી સ્કુલમાં 50 ટકાના ભાગીદાર પણ હતા અને તેઓ સ્કૂલમાંથીપગાર તથા નફો બન્ને મેળવતા હતા. જેમાં વર્ષ 2018 થી 2024 સુધીમાં પગાર સિવાયના આ પુનમબેન નાઓએ રૂપીયા 1 કરોડ 37 લાખ મળવેલ હોવાનુ અમોને જાણવા મળેલ છે.

પૂનમબેન તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તુષાર ઘેલાણી અને પૂનમ ભાદોરિયાના સંબંધોની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી, જ્યારે પૂનમબેન તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા, જોકે થોડા સમય બાદ તેઓ છૂટા પડ્યાં હતાં, પરંતુ વર્ષ 2012-13માં ફરી એકવાર સંપર્કમાં આવ્યાં હતાં. આ પુનઃમિલન બાદ તેમણે વ્યાવસાયિક ભાગીદારી શરૂ કરી, જેમાં સૌપ્રથમ તુષારભાઈના બિલ્ડિંગમાં ‘બચપન’ સ્કૂલની ફ્રેન્ચાઈઝી બે વર્ષ સુધી ચલાવી હતી. ત્યાર બાદ, તેમણે સુરતના જોલી આર્કેડમાં દેરાસરની પાછળ પોતાની ‘બ્લૂ પેપિલોન’ પ્રી-પ્રાઇમરી સ્કૂલ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્લૂ પેપિલોન સ્કૂલના સંચાલનમાં પૂનમબેનનું કોઈપણ પ્રકારનું દસ્તાવેજી આર્થિક રોકાણ ન હોવા છતાં તેઓ મેનેજિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતાં અને નફામાં મોટો હિસ્સો મેળવતાં હતાં. ઓગસ્ટ 2025માં એક અત્યંત શંકાસ્પદ વ્યવહાર થયો હતો, જેમાં તુષાર ઘેલાણીએ જોલી આર્કેડમાં આવેલી અંદાજે 1.06 કરોડની કિંમતની બે દુકાનો કોઈપણ બેંકિંગ ટ્રાન્ઝેક્શન વગર પૂનમબેનના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ મિલકત ટ્રાન્સફર પાછળ ગંભીર આર્થિક દબાણ હોવાની શંકા સેવવામાં આવી રહી છે.

શું હતો સમગ્ર મામલો? સુરતના અગ્રણી બિલ્ડર અને ‘ઘેલાણી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાઉસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. એ બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટુકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા.


Related Posts

Load more