શક્તિસિંહ ગોહિલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: ‘સમુદ્ર મંથન’ યોજનામાં ₹84,084 કરોડનો ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ, યોજના રદ કરવાની માંગ

By: Nation Gujarat Team
31 Aug, 2026

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘સમુદ્ર મંથન’ યોજનાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આ યોજનામાં રૂ. 84,084 કરોડની માતબર રકમ પ્રાઇવેટ કંપનીઓને ફાળવવાના નિર્ણય સામે સવાલો ઉઠાવી, સમગ્ર યોજનાને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતાં જણાવ્યું કે, “સમુદ્ર મંથનમાંથી દેશની જનતાના ભાગે ઝેર અને અદાણીના ભાગે અમૃત આવશે.” તેમના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારની આ યોજનામાં પ્રાઇવેટ કંપનીઓ ઓઈલ અને ગેસની શોધખોળ પાછળ જે ખર્ચ કરશે તેના 50 ટકા સુધીની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જો એક કૂવો ખોદવાનો ખર્ચ રૂ. 675 કરોડ ગણવામાં આવે તો તેના 50 ટકા એટલે કે મોટી રકમ સરકાર સીધી ખાનગી કંપનીને ચૂકવશે. ગોહિલે સવાલ ઉઠાવ્યો કે મધદરિયે કૂવો ખરેખર બન્યો કે નહીં, કેટલું કામ થયું અને ખર્ચ કેટલો થયો તેની અસરકારક ચકાસણી કેવી રીતે થશે?

GSPCના ₹27 હજાર કરોડનો મુદ્દો ઉઠાવ્યો

શક્તિસિંહ ગોહિલે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં ભૂતકાળમાં GSPC દ્વારા આશરે રૂ. 27,000 કરોડ ખર્ચવામાં આવ્યા હોવા છતાં એક ટીપું પણ ઓઈલ કે ગેસ મળ્યો નથી. આ અંગે CAGના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની જ્યુડિશિયલ તપાસ કરાવવાની પણ તેમણે માંગ કરી છે.

તેમણે કહ્યું કે, ભૂતકાળના અનુભવમાંથી બોધપાઠ લેવાને બદલે હવે ફરીથી સરકારી નાણાંનો મોટો હિસ્સો ખાનગી કંપનીઓને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અદાણી-વેલસ્પન કંપનીનો પણ ઉલ્લેખ

કોંગ્રેસ નેતાએ **અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ (AWEL)**નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ કંપનીમાં અદાણી ગ્રુપનો 65 ટકા અને વેલસ્પન ગ્રુપનો 35 ટકા હિસ્સો છે. તેમના જણાવ્યા મુજબ કંપની પાસે મુંબઈ ઓફશોર બેઝીન અને કચ્છ વિસ્તારમાં ઓઈલ-ગેસ સંબંધિત બ્લોક્સ છે.

ગોહિલે એવો પણ આક્ષેપ કર્યો કે કંપનીની પોતાની માહિતી મુજબ આગામી વર્ષોમાં ઓઈલ અને ગેસના કૂવાઓનું મોટા પાયે ખોદકામ કરવાની યોજના છે અને કેન્દ્ર સરકારની ઓઈલ-ગેસ ક્ષેત્રની નીતિઓથી કંપનીને લાભ મળવાની શક્યતા છે.

‘કોમન પાઈપલાઈન’ મુદ્દે પણ સવાલ

‘સમુદ્ર મંથન’ યોજનામાં ઓઈલ અને ગેસ મળ્યા બાદ કોમન શેરીંગ પાઈપલાઈનની જોગવાઈનો ઉલ્લેખ કરતાં શક્તિસિંહ ગોહિલે આ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી મદદથી ઉભી થનારી આવી સુવિધાનો લાભ ખાનગી કંપનીઓને મળી શકે છે.

તેમણે કહ્યું કે, સરકાર જો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ખોટા માને છે તો એક મંચ પર ચર્ચા કરવા તૈયાર રહેવી જોઈએ.

શક્તિસિંહ ગોહિલની મુખ્ય માંગણીઓ

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર સમક્ષ નીચેની માંગણીઓ રજૂ કરી છે:

  1. ‘સમુદ્ર મંથન’ યોજના તાત્કાલિક રદ કરવામાં આવે.
  2. રૂ. 84,084 કરોડ જેવી માતબર રકમ પ્રાઈવેટ કંપનીઓને શા માટે આપવામાં આવી રહી છે, તેનો જવાબ સરકાર આપે.
  3. ઓઈલ અને ગેસની શોધખોળ માટેના રૂ. 84,084 કરોડ ONGCને ફાળવવામાં આવે.
  4. ગુજરાતમાં GSPC દ્વારા રૂ. 27 હજાર કરોડ ખર્ચવા છતાં ઓઈલ-ગેસ ન મળવાના મામલે CAG દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે.
  5. દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક સ્તરે મળતા ઓઈલ અને ગેસના જથ્થામાં ઘટાડો કેમ થયો, તેનો જવાબ આપવામાં આવે.
  6. દેશમાં યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે ત્યારે રોજગાર સર્જનારા ક્ષેત્રોમાં નાણાં વાપરવાને બદલે રૂ. 84,084 કરોડ ખાનગી કંપનીઓને આપવાનો નિર્ણય શા માટે કરવામાં આવ્યો, તે સરકાર સ્પષ્ટ કરે.

શક્તિસિંહ ગોહિલે અંતમાં ફરી એકવાર સરકારને પડકાર આપતાં જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાઓમાં જો કંઈ ખોટું હોય તો સરકાર જાહેર મંચ પર ચર્ચા કરે અને હકીકત દેશની જનતા સમક્ષ મૂકે.


Related Posts

Load more