અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ રીતે આપો પ્રાથમિક સારવાર, આ 3 કામ તો સૌથી પહેલા કરવા

By: nationgujarat
29 Jun, 2025

હાઈ બ્લડ પ્રેશરની જેમ બ્લડપ્રેશર ઘટી જવું પણ એક ગંભીર સમસ્યા છે. જો કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર અચાનક ઘટી જાય તો તેને ચક્કર આવવા લાગે છે, નબળાઈ અનુભવાય છે, ધૂંધળું દેખાય છે, હાથ અને પગ ઠંડા પડી જાય છે, ઉલટી જેવું થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સ્થિતિમાં જો બીપી કંટ્રોલમાં આવે તે માટે કંઈ ન કરવામાં આવે તો વ્યક્તિની હાલત ગંભીર પણ થઈ શકે છે. તેથી એ જાણવું જરૂરી છે કે જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય તો શું કરવું જોઈએ ?

ડોક્ટરોના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર 90/60 કે તેનાથી ઓછું થઈ જાય તો લો બ્લડપ્રેશર કહેવાય છે. આ સ્થિતિમાં ગભરાવું નહીં. તમે સરળ ઘરેલુ ઉપાય અપનાવીને સ્થિતિ કંટ્રોલ કરી શકો છો. ડોક્ટરના જણાવ્યા અનુસાર 3 સરળ રીત અપનાવીને તમે દર્દીના બ્લડ પ્રેશરને ઘટતા અટકાવી શકો છો.

બ્લડ પ્રેશર ઘટી જાય તો શું કરવું ?

જો કોઈ વ્યક્તિનું બીપી લો થઈ જાય તો સૌથી પહેલા તેને ખાંડ અને મીઠાનું પાણી બનાવીને પીવડાવવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી ખાંડ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો અને દર્દીને પીવડાવો. આ મિશ્રણથી ઘટેલું બ્લડ પ્રેશર તુરંત જ નોર્મલ થવા લાગશે.

પગને ઊંચા રાખો 

જ્યારે કોઈ વ્યક્તિનું બીપી લો થઈ જાય તો તેને ચક્કર આવવા લાગે છે અથવા તો નબળાઈ અનુભવાય છે આ સ્થિતિમાં તેને સીધા સુવડાવો અને પગને એવી રીતે રાખો કે તે શરીર કરતાં ઊંચા રહે. આ સ્થિતિમાં દર્દીને સુવડાવવાથી તેની હાર્ટ રેટ નોર્મલ થવા લાગશે અને બ્લડ ફ્લો મગજ અને હૃદય સુધી ઝડપથી પહોંચશે.

કેફીન યુક્ત પીણું પીવડાવો 

બીપી લો થઈ જાય તો ડોક્ટર સલાહ આપે છે કે દર્દીને એક કપ બ્લેક કોફી અથવા તો બ્લેક ટી પીવડાવવી જોઈએ. બ્લેક કોફી અને ચામાં કેફીન હોય છે જે હૃદયની ગતિ વધારીને બ્લડ પ્રેશરને નોર્મલ કરવામાં મદદ કરે છે. કોફી કે ચા પીવાથી દર્દીને સારું લાગે છે.

આ 3 સ્ટેપ લો બ્લડ પ્રેશરમાં ફર્સ્ટ એડ તરીકે અપનાવવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે ડોક્ટરી સલાહની જરૂર ન પડે. જે વ્યક્તિનું બીપી લો થઈ ગયું હોય તેને પ્રાથમિક સારવાર આપી તુરંત જ ડોક્ટર પાસે પણ લઈ જવી જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more