Israel-Iran Update – ઇઝરાયલે ફરી ઇરાન પર મિસાઇલો છોડી, સીરિયાએ હવાઈ ક્ષેત્ર બંધ કર્યું…

By: nationgujarat
14 Jun, 2025

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ઈઝરાયલે ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ હેઠળ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં છ વૈજ્ઞાનિકો અને અનેક ટોચના લશ્કરી કમાન્ડરો માર્યા ગયા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં ૭૮ લોકો માર્યા ગયા છે અને ૩૫૦ થી વધુ ઘાયલ થયા છે. ઈઝરાયલે આ હુમલામાં ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટનો ઉપરનો ભાગ નષ્ટ કરી દીધો હતો.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા હુસૈન સલામી, ઈરાની આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરી, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નજીકના અલી શામખાની અને આઈઆરજીસી એરફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ જેવા ટોચના અધિકારીઓ ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા હતા.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે આ કાર્યવાહી ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. વધુ વિનાશ હજુ થવાનો બાકી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. અમારું લક્ષ્ય ઇઝરાયલના અસ્તિત્વ માટે ઇરાન દ્વારા ઉભા કરાયેલા ખતરાને દૂર કરવાનો છે.

ઇરાને આ હુમલાનો જોરદાર જવાબ આપ્યો અને આ કાર્યવાહીને ‘ટ્રુ પ્રોમિસ થ્રી’ નામ આપ્યું. ઇરાને દાવો કર્યો છે કે તેણે ઇઝરાયલ પર 100 થી વધુ મિસાઇલો છોડી છે. આ હુમલામાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે.

આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. તે જ સમયે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ધમકી આપી છે કે જો તે પરમાણુ કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો મોટો હુમલો કરવામાં આવશે.


Related Posts

Load more