ભારત હવે હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે દેશની સૌપ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ કર્ણાટકના બેંગલુરુ સ્થિત BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ) પ્લાન્ટમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય વાતાવરણ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને તૈયાર થઈ રહેલી આ ટ્રેન અદ્યતન એન્જિનિયરિંગ, આધુનિક સેફ્ટી ફીચર્સ અને વર્લ્ડ ક્લાસ પેસેન્જર સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ બનશે.
ટ્રેનની ક્ષમતા અને ટેક્નિકલ વિગતો આ સ્વદેશી બુલેટ ટ્રેન મહત્તમ 280 કિમી પ્રતિ કલાકની ટેસ્ટ સ્પીડ અને 249 કિ.મી. પ્રતિ કલાકની ઓપરેશનલ સ્પીડ ધરાવે છે. આશરે 202 મીટર લાંબી આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે, જેમાં 4 મોટર કાર અને 4 ટ્રેલર કારનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં પેસેન્જર ટ્રાફિક વધતાં આવા બે 8-કાર રેકને જોડીને 16 કોચની ટ્રેન પણ ચલાવી શકાશે. બંને છેડે ઇન્ટેલિજન્ટ ઓન-બોર્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ ડ્રાઇવર કેબિન રહેશે, જે ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાથે સીધું સંકલન જાળવી ત્વરિત નિર્ણયો લેવામાં મદદ કરશે.
557 મુસાફરોની ક્ષમતા; એક્ઝિક્યુટિવ અને સ્ટાન્ડર્ડ ક્લાસ ટ્રેનની કુલ ક્ષમતા આશરે 557 મુસાફરોની રહેશે. જેમાં સાત સ્ટાન્ડર્ડ-ક્લાસ કોચ (3×2 સીટિંગ વ્યવસ્થા) અને એક લક્ઝુરિયસ એક્ઝિક્યુટિવ-ક્લાસ કોચ (2×2 સીટિંગ વ્યવસ્થા) સામેલ છે. ભારતીય મુસાફરોના શરીરના બાંધા મુજબ બેઠકોને એર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવી છે, જેથી પૂરતો લેગરૂમ મળી રહે. દરેક સીટની હરોળ પાસે બારીઓ, પાવર આઉટલેટ્સ, મોર્ડન બાયો-ડાયજેસ્ટર ટોઇલેટ્સ અને મોટા સામાન માટે ખાસ ફ્લોર-માઉન્ટેડ લગેજ સ્ટેન્ડ્સ ગોઠવવામાં આવ્યા છે.
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ કાળજી ટ્રેનને સંપૂર્ણપણે એક્સેસિબલ બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. પ્લેટફોર્મની ઊંચાઈ સાથે ટ્રેનના ફ્લોરનું લેવલિંગ રાખવામાં આવ્યું છે, જેથી વ્હીલચેર સરળતાથી પ્રવેશી શકે. આ ઉપરાંત, દરવાજા ખુલતાં જ બહાર નીકળતા રિટ્રેક્ટેબલ ફૂટસ્ટેપ્સ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યાને નહિવત કરી દેશે. દિવ્યાંગ મુસાફરો માટે 2 ખાસ અનામત સીટો, વિશેષ ટોઇલેટ્સ અને દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેઇલ લિપિ આધારિત સાઇનેજ પણ લગાવવામાં આવ્યા છે.
ઇન્ફોટેનમેન્ટ અને સેફ્ટીથી સજ્જ કેબિન મુસાફરી દરમિયાન મુસાફરોને સતત અપડેટ રાખવા માટે LCD સ્ક્રીન પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી પ્રસારિત થશે. સાથે જ પબ્લિક એડ્રેસ સિસ્ટમથી ઑડિયો એનાઉન્સમેન્ટ થશે. ટ્રેનમાં પ્રીલોડેડ એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટ માણવા માટે વાઇ-ફાઇ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ઇમરજન્સીના કિસ્સામાં મુસાફરો સીધા ટ્રેન ક્રૂ સાથે વાતચીત કરી શકે તે માટે દરેક કેબિન અને વેસ્ટિબ્યુલમાં ઇમરજન્સી ટોક-બેક યુનિટ્સ બેસાડાયા છે.
દરેક ઋતુમાં સફર આરામદાયક, અવાજ રહિત પ્રવાસ હવામાનની સ્થિતિ ગમે તેવી હોય, કેબિનની અંદર તાપમાન અને ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દરેક કોચમાં બે-બે અત્યાધુનિક HVAC (એર-કન્ડીશનીંગ) યુનિટ્સ લગાવવામાં આવ્યા છે. વધુમાં, હાઈ-સ્પીડ દોડતી વખતે બહારનો અવાજ મુસાફરો સુધી ન પહોંચે તે માટે બોડી સ્ટ્રક્ચરમાં સાઉન્ડ ઇન્સ્યુલેશન, નોઈઝ-ડેમ્પિંગ કોટિંગ્સ, સ્કર્ટ્સ અને બોગી કવર્સનો ઉપયોગ કરાયો છે.
એરોડાયનેમિક ડિઝાઇન અને રીજનરેટિવ બ્રેકિંગ ટ્રેનનું સંચાલન 25 kV, 50 Hz સિંગલ-ફેઝ AC ટ્રેક્શન સિસ્ટમ દ્વારા થશે. ઊર્જા બચાવવા માટે તેમાં રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે, જે બ્રેક લગાવતી વખતે વીજળી પેદા કરી પુનઃ ઉપયોગમાં લેશે. કમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ (CFD) ટેક્નોલોજીથી ડિઝાઇન થયેલું ટ્રેનનું એરોડાયનેમિક નોઝ (મુખ) હવાનું ઘર્ષણ ઘટાડશે, ટનલમાંથી પસાર થતી વખતે પેદા થતા પ્રેશર વેવ્સ અને સોનિક બૂમની અસર ઓછી કરશે તથા મુસાફરોને સંપૂર્ણ સલામત અને ઝટકારહિત પ્રવાસનો અનુભવ આપશે.
બેંગલુરુ પ્લાન્ટમાં ઉત્પાદન કાર્યની પ્રત્યક્ષ સમીક્ષા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુ ખાતે ભારતમાં નિર્માણ પામી રહેલી પ્રથમ બુલેટ ટ્રેન (B28) ના ઉત્પાદન કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે ટ્રેનના કારબોડી નિર્માણ માટે જરૂરી અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અન્ડરફ્રેમ, સાઇડવોલ, રૂફ એસેમ્બલી તેમજ કાર એસેમ્બલી સહિતની ઉત્પાદન પ્રક્રિયાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. હાઇ-સ્પીડ રેલ સંચાલન માટે જરૂરી ચોકસાઈ, ટકાઉપણું અને ગુણવત્તાના વૈશ્વિક માપદંડો જાળવવા આ તમામ તબક્કા અત્યંત મહત્વપૂર્ણ છે.
મુલાકાત દરમિયાન રેલવે મંત્રીએ ગુણવત્તા ચકાસણી માટે અત્યંત જરૂરી એવી ‘સ્ક્વિઝ ટેસ્ટ’નું નિરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ હેઠળ ટ્રેનની બોડી પર ભારે દબાણ આપીને તેની માળખાકીય મજબૂતાઈ અને સ્થિરતાની તપાસ કરવામાં આવે છે, જેથી હાઇ-સ્પીડ સફર દરમિયાન મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. આ સાથે તેમણે સાઇડ મોડ્યુલ અને રૂફ મોડ્યુલના નિર્માણ તેમજ તેના જોડાણની કામગીરીનું પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
પેસેન્જર સુવિધા અને આધુનિક સિસ્ટમ્સની ચકાસણી હાઇ-સ્પીડ મુસાફરી દરમિયાન પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ મળે તે હેતુથી રેલવે મંત્રીએ મુસાફરોની બેઠકોની સુવિધા અને આરામદાયકતાની જાતે ચકાસણી કરી હતી. આ ઉપરાંત, તેમણે ટ્રેનમાં સામેલ મુખ્ય સિસ્ટમ્સ જેવી કે હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ (HVAC) સિસ્ટમ, કપલર્સ અને અન્ય મહત્વપૂર્ણ ઉપકરણો તેમજ એસેમ્બલીઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી.
વિગતો આપતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સાઇડ વોલ, રૂફ વોલ અને કેબ જેવા અલગ-અલગ ભાગોને જોડીને સંપૂર્ણ કાર બોડી તૈયાર કરવામાં આવી છે. હાલમાં આ ઇન્ટિગ્રેટેડ કાર બોડી પર સ્ક્વિઝ ટેસ્ટના અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ ટેસ્ટ પૂર્ણ થયા પછી તેમાં પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ અને મોટર ફિટ કરવામાં આવશે તેમજ નીચે બોગી લગાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
કડક ક્લાઇમેટ ટેસ્ટિંગમાંથી પસાર થશે ટ્રેન ટ્રેનને પાટા પર ઉતારતાં પહેલાં તેને અત્યંત કડક ક્લાઇમેટ ટેસ્ટિંગમાંથી પસાર કરવામાં આવશે. આ પરીક્ષણ હેઠળ 50 ડિગ્રી સેલ્સિયસ જેટલા આકરા તાપમાનથી લઈને શૂન્ય નીચેના (માઇનસ) તાપમાનમાં, અત્યંત ધૂળવાળા વાતાવરણમાં તેમજ સતત ભારે વરસાદ સામે ટ્રેનની સહનશક્તિ અને સુરક્ષાની આકરી ચકાસણી કરવામાં આવશે.