Israel Government : ઈઝરાયલમાં 27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં કોઈ પણ પક્ષ કે જૂથને સ્પષ્ટ બહુમતી ન મળતાં દેશમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ નિર્માણ પામી છે. કુલ 120 સભ્યો ધરાવતી ઈઝરાયલી સંસદ (નેસેટ) માં સરકાર રચવા માટે 61 બેઠકોની જરૂરિયાત છે, પરંતુ વર્તમાન વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂનું લિકુડ પ્રમુખપદ હેઠળનું જૂથ માત્ર 53 બેઠકો પર જ અટકી ગયું છે. જેમાં તેમની પોતાની લિકુડ પાર્ટીને 27 બેઠકો મળી છે.
બીજી તરફ, ગાદી આઇઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી જૂથને 48 બેઠકો (યશાર, ટુગેધર, ડેમોક્રેટ્સ, વાઈબી) મળી છે, જ્યારે ઐતિહાસિક સફળતા મેળવતાં અરબ પાર્ટીઓ (જોઈન્ટ લિસ્ટ 11 અને રઆમ 8) એ 19 બેઠકો પર વિજય મેળવીને કિંગમેકરની ભૂમિકા હાંસલ કરી છે.
સત્તા ગુમાવવાની આશંકા વચ્ચે, નેતન્યાહૂએ સાર્વજનિક રીતે ભલે રાષ્ટ્રીય એકતા સરકારના વિચારને ફગાવ્યો હોય, પરંતુ લિકુડ પાર્ટીના આંતરિક સૂત્રો મુજબ તેઓ વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ સાથે ગઠબંધનના તમામ શક્ય વિકલ્પો પર ગંભીર વિચારણા કરી રહ્યા છે.
નેતન્યાહૂને ભય સતાવી રહ્યો છે કે જો તેઓ પહેલ નહીં કરે તો આઇઝનકોટ તેમને સત્તા પરથી હટાવવા માટે 19 બેઠકો ધરાવતી અરબ પાર્ટીઓ અને અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષો સાથે હાથ મિલાવીને 67 બેઠકોનું નવું સમીકરણ બનાવી શકે છે. જોકે, આઇઝનકોટ ગઠબંધનમાં જોડાવા માટે અરબ પક્ષો પાસે હમાસને આતંકી સંગઠન ગણવાની અને તેમના હથિયારો જપ્ત કરવાના સમર્થનની શરતો મૂકી રહ્યા છે.