ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. તેની બીજી મેચ આજથી (24 ઓક્ટોબર) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સવારે 9.30 વાગે શરૂ થશે, આ મેદાન પર ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. વર્તમાન શ્રેણીની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. કિવી ટીમે 1955માં પ્રથમ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો, જ્યારે તેને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની ત્રણ મેચ ડ્રો રહી હતી ત્યારબાદ 1965માં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી હતી અને આ વખતે તેને એક પણ ટેસ્ટ જીતવાની તક મળી નથી. ત્યાર બાદ ભારતે 4 ટેસ્ટ શ્રેણીમાં 1-0થી પરાજય આપ્યો હતો. 3 ટેસ્ટ ડ્રો થઈ હતી. ત્યારબાદ 4 વર્ષ પછી એટલે કે 1969માં કિવી ટીમે એકવાર ભારતનો પ્રવાસ કર્યો અને આ વખતે તેણે ભારતની ધરતી પર પ્રથમ ટેસ્ટ જીતી. આ વખતે ન્યુઝીલેન્ડ 3 મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહ્યું હતું. આ વખતે પણ એક મેચ ડ્રો રહી હતી.