Donald Trump Visit Saudi Arabia: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પરત ફર્યા બાદ પોતાની પ્રથમ વિદેશ યાત્રામાં સાઉદી અરેબિયા જવાની યોજના બનાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રમ્પના સાઉદી પ્રવાસની યોજના હજુ બનાવવામાં આવી રહી છે. રવિવારે ટ્રમ્પની સાઉદીની મુલાકાતની યોજના વિશે માહિતી આપતાં એક ન્યૂઝ વેબસાઈટે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ગાઝામાં ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હમાસમાંથી બાકીના બંધકોને મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ વચ્ચે પ્રમુખ સાઉદી અરેબિયાની મુલાકાત લઈ શકે છે.
પ્રથમ વિદેશ પ્રવાસમાં સાઉદી અરેબિયા કેમ જઈ રહ્યા ટ્રમ્પ?
ટ્રમ્પે 6 માર્ચે પણ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘હું આગામી દોઢ મહિનામાં સાઉદી અરેબિયાનો પ્રવાસ કરીશ. હું સાઉદી અરેબિયા જઈ રહ્યો છું. સામાન્ય રીતે તમારે પહેલા યુકે જવું જોઈએ, છેલ્લી વાર હું સાઉદી અરેબિયા ગયો હતો. તેમણે 450 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું.’
પોતાના બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસમાં સાઉદી અરેબિયા જવા અંગે તેમણે આગળ કહ્યું હતું કે, ‘આ વખતે મેં કહી દીધું હતું કે જો તમે અમેરિકન કંપનીઓને એક ટ્રિલિયન ડોલર આપો તો જ હું જઈશ.’ આનો અર્થ એ થયો કે સાઉદી ચાર વર્ષમાં અમેરિકામાં એક ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે. તેઓ આમ કરવા માટે સંમત થયા છે, તેથી હું ત્યાં જઈ રહ્યો છું.’
એક અમેરિકન અધિકારી અને આ બાબતથી વાકેફ સૂત્રએ જણાવ્યું છે કે, ‘ટ્રમ્પ મે મહિનાના મધ્યમાં સાઉદી અરેબિયાનો પ્રવાસ કરી શકે છે. સાઉદીના પ્રવાસમાં વિદેશી રોકાણ, ગલ્ફ દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા અને મધ્ય પૂર્વમાં સંઘર્ષનો અંત લાવવા અંગે ચર્ચા થશે.’
ટ્રમ્પના આવવાથી સાઉદી અરેબિયાનું કદ વધ્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં સાઉદી અરેબિયા એક મહત્ત્પૂર્ણ પ્લેયર છે. જ્યારે ટ્રમ્પે આ પહેલ શરૂ કરી ત્યારે તેમણે રશિયા સાથે વાતચીત માટે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પસંદ કરી હતી. આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદીનું કદ નોંધપાત્ર રીતે વધી ગયું છે.
રિયાધમાં જ અમેરિકા અને રશિયન પ્રતિનિધિઓ વચ્ચે રશિયા-યુક્રેન શાંતિ યોજના પર ચર્ચા થઈ હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી પણ વાટાઘાટો માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા, ત્યારબાદ રશિયા અને યુક્રેન 30 દિવસ માટે એકબીજાના ઉર્જા માળખા પર હુમલા બંધ કરવા માટે સંમત થયા હતા.
આ મામલાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘સાઉદી અરેબિયા ઈચ્છતું હતું કે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ટ્રમ્પ સાઉદી અરેબિયાનો પ્રવાસ કરે.’
2017માં જ્યારે પ્રમુખ ટ્રમ્પ પહેલી વાર સત્તામાં આવ્યા ત્યારે પણ તેમણે પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે સાઉદી અરેબિયાની પસંદગી કરી હતી. અને આ સાથે તેમણે તેમના પાંચ પુરોગામીઓ દ્વારા શરૂ કરાયેલી પરંપરા પણ તોડી નાખી જેમાં નવા અમેરિકન પ્રમુથ પડોશી દેશોનો પ્રવાસ કરતા હતા.
ટ્રમ્પ પહેલાના પ્રમુખો પાડોશી દેશો કેનેડા અને મેક્સિકોનો પ્રવાસ કરતા હતા. બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ એચ.ડબલ્યૂ.બુશે ચૂંટાયા બાદ પોતાનો પ્રથમ વિદેશ પ્રવાસ કેનેડાનો કર્યો હતો. તે પહેલાં જ્યોર્જ ડબલ્યૂ. બુશ અને રોનાલ્ડ રીગન પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર મેક્સિકો ગયા હતા.
ટ્રમ્પના પ્રથમ કાર્યકાળના અંત બાદ 2021માં જ્યારે જો બાઈડન સત્તામાં આવ્યા ત્યારે તેમણે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ માટે યુરોપિયન દેશોની પસંદગી કરી અને NATO (અમેરિકા અને યુરોપિયન દેશોનું સંગઠન)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
શપથ લીધા બાદ ટ્રમ્પનો પ્રથમ ફોન સાઉદી ક્રાઉન પ્રિન્સ MBSને
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીના રોજ પદના શપથ લીધા હતા. તે જ અઠવાડિયાના ગુરુવારે તેમણે સાઉદી અરેબિયાના વાસ્તવિક શાસક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ફોન કર્યો હતો. બીજી વખત પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પનો કોઈ વિદેશી નેતા સાથેનો આ પ્રથમ ફોન કોલ હતો. આ વાતચીતમાં ટ્રમ્પે રોકાણના બદલામાં સાઉદી અરેબિયાના પ્રવાસની શરત મૂકી હતી, જેને સાઉદી અરેબિયાએ સ્વીકારી અને ચાર વર્ષમાં અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જેઓ MBS તરીકે પણ ઓળખાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધ રહ્યા છે. 2018માં જ્યારે સાઉદી પત્રકાર અને વોશિંગ્ટન પોસ્ટના કટારલેખક જમાલ ખાશોજ્જીની હત્યા માટે એમબીએસ વિશ્વભરમાં ટીકાનો સામનો કરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પ તેમની પડખે ઉભા રહ્યા હતા. ખાશોજ્જીની હત્યા અને તેમના માનવાધિકાર રેકોર્ડ અંગે બાઈડન વહીવટીતંત્રે એમબીએસની ભારે ટીકા કરી હતી, અને બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.
પરંતુ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ફરીથી સુધરી ગયા છે. સાઉદી અમેરિકામાં મોટા પાયે રોકાણ કરવા માટે પણ સંમત થયું છે. રોકાણ અંગે ટ્રમ્પે કહ્યું કે, ‘હું ક્રાઉન પ્રિન્સ જેઓ એક અદ્ભુત વ્યક્તિ છે, તેમને કહીશ કે તમે અમેરિકામાં પોતાનું રોકાણ વધારો અને વધારીને 1 ટ્રિલિયન ડોલર સુધી કરી દો. મને લાગે છે કે તેઓ આ કરશે કારણ કે અમારો તેની સાથે ખૂબ જ સારો સંબંધ રહ્યો છે.’
ઈરાનને સંતુલિત કરવા માટે ટ્રમ્પને MBSનો સપોર્ટ જોઈએ
મધ્ય પૂર્વમાં સ્થિરતા જાળવવા માટે અમેરિકા માટે ઈરાન પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે, સાઉદી અરેબિયા તેમને ઈરાનને સંતુલિત કરવામાં મદદ કરે. સાઉદી અરેબિયા પણ નથી ઈચ્છતું કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમમાં સફળ થાય અને ફરી એકવાર આ ક્ષેત્રમાં એક ખૂબ જ શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરી આવે. બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્રે ફરી એકવાર પરમાણુ કરાર માટે ઈરાન પર દબાણ વધાર્યું છે.