ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર કાગળ પૂરતી સીમિત રહી છે. બૂટલેગરો બેફામ બન્યા છે. રહેમ નજર હેઠળ આજે પણ ગુજરાતમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. ત્યારે દારૂને લઈને કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય એ બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા સામે મોરચો માંડ્યો છે.
‘ઢીલા અમલના કારણે જિલ્લાની મહિલાઓ વિધવા બની’
બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પત્ર લખી સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ધૂમ દારૂ ઠલવાય રહ્યો છે. દારૂના દૂષણને કારણે કેટલીય મહિલાઓ વિધવા બની છે. બાળકો અને પરિવાર પર ખૂબ જ અસર થઈ રહી છે. પરિણામે બહેન-દીકરીઓને વિધવા કરનાર ભ્રષ્ટ અધિકારીઓને બદલે નિષ્ઠાવાન મહિલા SPને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરો. બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સામે અગાઉ પણ કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેનીબેન ઠાકોર દ્વારા પણ તેની અગાઉના એસપી તરુણ દુગ્ગલ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તે જિલ્લામાં દારૂના અડ્ડા ચલાવે છે.ઉલ્લેખનીય છે કે, મોટેભાગે ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની માંગણી કરતા હોય છે. પરંતુ આ કદાચ પ્રથમ કિસ્સો હશે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય – સંસદ સભ્ય SPને બદલી મહિલા SPને જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવાની માંગ કરી છે.