BJYM – કર્ણાવતી મહાનગરમાં ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’નું ભવ્ય સમાપન

By: Nation Gujarat Team
02 Sep, 2026

અમદાવાદ: કર્ણાવતી મહાનગરમાં ત્રણ દિવસથી ચાલી રહેલા ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આયોજિત આ ત્રણ દિવસીય અભિયાન દરમિયાન અમદાવાદમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોએ ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. આ ઉપરાંત વિવિધ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે 41 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કર્યું સામૂહિક ગાન

અભિયાનના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શાળાઓના 300થી વધુ શાળાના 41 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સવારે 8:30 કલાકે એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ સમયે યોજાયેલા સામૂહિક ગાનથી અમદાવાદ દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું.

ખાનગી શાળાના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

અભિયાનના બીજા દિવસે, 1 સપ્ટેમ્બરે અમદાવાદની 230થી વધુ ખાનગી શાળાઓના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરી રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારીને કારણે અભિયાનને વ્યાપક જનભાગીદારી મળી હતી.

ભારતના નકશાની માનવ સાંકળ બનાવી

અભિયાનના ત્રીજા દિવસે, 2 સપ્ટેમ્બરે નારણપુરા અને દાણીલીમડા વોર્ડમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. નારણપુરા વોર્ડમાં 1,200થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી.

તે જ રીતે દાણીલીમડા વોર્ડમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ દ્વારા ભારતના નકશાની વિશાળ પ્રતિકૃતિ બનાવી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને શિસ્તબદ્ધ ભાગીદારીએ કાર્યક્રમને વિશેષ આકર્ષણ બનાવ્યો હતો.

‘વંદે માતરમ’ માત્ર કાર્યક્રમ નહીં, રાષ્ટ્રભાવનાનો સંકલ્પ: હેમાંગ જોષી

સમાપન કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના યુવાનોને રાષ્ટ્રભાવના અને એકતાના તાંતણે જોડવાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ છે.

તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના પ્રવાસ દરમિયાન યુવાનોમાં જોવા મળેલો રાષ્ટ્રપ્રેમ અને ઊર્જા ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.

ડૉ. જોષીએ કહ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશનો યુવા વર્ગ માતૃભૂમિની આઝાદી માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હતો. આજે સ્વતંત્ર ભારતનો યુવા દેશની વિકાસગાથાને નવી ઊંચાઈએ લઈ જવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે.

આઝાદી પહેલાં દેશને ગુલામીમાંથી મુક્ત કરવાનો પડકાર હતો, જ્યારે આજે ભારતને વિશ્વનું અગ્રણી અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે.

‘વિકસિત ભારત-2047’ માટે યુવાનોને આહ્વાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસની નવી દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું જણાવતા ડૉ. હેમાંગ જોષીએ યુવાનોને ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પ સાથે કદમ મિલાવી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત-2047’ના વિઝનને સાકાર કરવું એ ‘વંદે માતરમ યુવા ઉદ્ઘોષ’નો મુખ્ય હેતુ છે. દેશનો યુવા રાષ્ટ્રહિતના દરેક કાર્યમાં અગ્રેસર રહી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયાસોમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.


Related Posts

Load more