Nepal Pandemic after Flash Flood: ચીન-નેપાળ સરહદ નજીક ગ્લેશિયરનો એક મોટો હિસ્સો તૂટી પડતાં સર્જાયેલી કુદરતી હોનારતે નેપાળ અને તિબ્બતમાં ભારે તબાહી મચાવી છે. અચાનક વિપુલ પ્રમાણમાં પાણી, ખડકો અને કાટમાળ નીચે તરફ ધસી આવતા અનેક ગામડાઓ તથા શહેરો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ભયાનક પૂર અને ભેખડો ધસી પડવાને કારણે કેટલાક ગામો તણાઈ ગયા છે અને મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે.
રાહત અને બચાવ કાર્ય બીજા અઠવાડિયામાં પ્રવેશવાની સાથે જ નવી વિકટ સમસ્યાઓ સામે આવી રહી છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં 960થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 4400થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરના આ પાણી સાથે તણાઈને આવેલી ઓછામાં ઓછી 17 લાશો ભારત સરહદ પાસેથી પણ મળી આવી છે.
મહામારીનો મોટો ખતરો
પૂર અને હોનારતના સાત દિવસ વિતી ગયા બાદ હવે નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે. કાટમાળ અને કાદવમાં દબાયેલા મૃતદેહો હવે સડવા લાગ્યા છે અને ચારેય તરફ દુર્ગંધ ફેલાઈ રહી છે. આ સ્થિતિ સ્વચ્છતા અને આરોગ્ય માટે સૌથી મોટો પડકાર બની રહી છે. હવે બચાવ ટુકડીઓ સામે રાહત કામગીરીની સાથે સફાઈ જાળવવાની અને રોગચાળો ફેલાતો અટકાવવાની બેવડી જવાબદારી આવી ગઈ છે.
ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી
નેપાળના રસુવા જિલ્લામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટની વિવિધ ટનલ અંદર આશરે 100 જેટલા કર્મચારીઓ ફસાયા હોવાની ભીતિ છે. બચાવ ટુકડીઓ કાદવ અને કાટમાળ હટાવીને ટનલ સુધી પહોંચવાનો સતત પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધીમાં બે ટનલમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ કેટલાક લોકો જીવિત મળી આવશે તેવી આશા સાથે કામગીરી ચાલી રહી છે. નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે 20,600 જેટલા સુરક્ષાકર્મીઓ અને કર્મચારીઓને તહેનાત કર્યા છે અને અત્યાર સુધીમાં 3100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અજ્ઞાત મૃતદેહોના ડીએનએ સેમ્પલ લઈને અંતિમ સંસ્કાર
મૃતદેહોની સતત વધતી સંખ્યાના કારણે નેપાળના શબઘરોમાં જગ્યા ઓછી પડી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, જે મૃતદેહોની ઓળખ શક્ય નથી થઈ, તેમના DNA સેમ્પલ લઈને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આગળ જતાં તેમની ઓળખ સ્પષ્ટ થાય ત્યારે સ્વજનોને માહિતગાર કરી શકાય. બીજી તરફ, લોકો પોતાના ગુમ થયેલા પરિજનોની શોધમાં કોમ્યુનિટી સેન્ટરો પર જઈને મૃતદેહોના ફોટોગ્રાફ્સ તપાસી રહ્યા છે. મૃતદેહોને ખરાબ થતાં અટકાવવા અને સુરક્ષિત રાખવા માટે નેપાળે વૈશ્વિક સ્તરે અપીલ કરીને 1000થી વધુ ફ્રીઝર યુનિટ્સની તાકીદની મદદ માગી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળમાં ગુમ થયેલા લોકોની યાદીમાં 592 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
ચીન તરફથી મળતી માહિતી મુજબ તિબ્બતમાં 16 લોકોના મોત થયા છે અને 546 લોકો લાપતા છે. ત્યાં 2,000થી વધુ બચાવકર્મીઓ રાહત કામગીરીમાં જોડાયેલા છે, પરંતુ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવું ખૂબ જ પડકારજનક બની રહ્યું છે. કેટલાક તિબ્બતી સંગઠનોએ ચીન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ સામે સવાલો ઉઠાવી વધુ વિગતો આપવાની માંગ કરી છે. જોકે, ચીને આંકડા છુપાવવાના આરોપોને ફગાવી દેતાં દાવો કર્યો છે કે તમામ માહિતી સંપૂર્ણ પારદર્શક રીતે અને સમયસર જાહેર કરવામાં આવી રહી છે.