અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં આગામી જન્માષ્ટમી પર્વની ભવ્ય ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. ભગવાન શામળિયાના દર્શન, આરતી, પંચામૃત અભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી મંદિરે દર્શનાર્થે ઉમટી પડે તેવી શક્યતા છે.
જન્માષ્ટમીને લઈને મંદિર તરફથી દર્શન અને વિવિધ ધાર્મિક વિધિઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મંદિર સવારે 6:00 કલાકે ખુલશે અને ભક્તો માટે દર્શન શરૂ થશે. સવારે 6:45 કલાકે ભગવાન શામળિયાની મંગળા આરતી થશે. સવારે 8:30 કલાકે ભગવાન શામળિયાને પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. સવારે 9:15 કલાકે શણગાર આરતી થશે. સવારે 11:30 કલાકે મંદિર બંધ થશે અને ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે 12:15 કલાકે: મંદિર ફરી ખુલશે અને રાજભોગ આરતી થશે તેમજ બપોરે 2:15 કલાકે ઉત્થાપન બાદ મંદિર ભક્તો માટે ખુલશે.

સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી યોજાશે અને રાત્રે 8:00 કલાકે ભગવાનને શયન ભોગ ધરાવવામાં આવશે. રાત્રે 8:00 કલાકે મંદિર પરિસરમાં લાલજી મહારાજના ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવશે. અને રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે શયન આરતી યોજાશે અને રાત્રે 1:00 કલાકે મંદિર બંધ થશે.
જન્માષ્ટમીના પાવન પર્વે શામળાજી ખાતે જય શામળિયા, જય શ્રીકૃષ્ણના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની રહેશે. ભગવાન શામળિયાના જન્મોત્સવને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ જન્માષ્ટમીના પર્વને લઈને વહિવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મંદિરમાં યોજાનારી વિવિધ આરતી, અભિષેક, ભજન-સત્સંગ અને મધ્યરાત્રિના શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાસે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ભક્તોને દર્શન અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, શામળાજી મંદિર એ રાજ્યના અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે આવેલું શામળાજી એ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતીય સ્થાપત્યકલા, પુરાતત્વ અને સંસ્કૃતિનો એક અમૂલ્ય ખજાનો છે. “ગદાધર ક્ષેત્ર” તરીકે ઓળખાતું આ સ્થાન તેના પ્રાચીન મંદિર, અદભૂત મૂર્તિકલા અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત એક અત્યંત પ્રાચીન અને પ્રખ્યાત શ્રી શામળાજી વિષ્ણુ મંદિર. આ મંદિર ગુજરાતના ત્રણ મુખ્ય વૈષ્ણવ યાત્રાધામોમાં (દ્વારકા, ડાકોર અને શામળાજી) સ્થાન ધરાવે છે. અહીં ભગવાન વિષ્ણુની ગદાધારી સ્વરૂપે શ્યામ રંગની મૂર્તિ બિરાજમાન હોવાથી તેમને ‘શામળિયા સદગુરુ’ કે ‘શામળાજી’ તરીકે પૂજવામાં આવે છે.