તમામ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે આખરે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે. રાજકીય કાવાદાવા વચ્ચે અગાઉ બે વાર ચૂંટણી રદ થઈ હતી. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી હોવા છતાં દિયોદરમાં સત્તા માટે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અંતે કોંગ્રેસની જીત થઈ છે. દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પાલડી બેઠકના સભ્ય પ્રભાતબાઈ વાઘેલાની વરણી થઈ છે. તો ઉપપ્રમુખ તરીકે ચીભડા બેઠકના સભ્ય પાનાબેન ચાવડાની વરણી થઈ છે. કોંગ્રેસની બહુમતી વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખ બંને પદ કોંગ્રેસના ફાળે ગયું છે. ંછેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. અને દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જાળવી રાખ્યો સત્તા પર કબજો..
અગાઉ બે વાર ચૂંટણી રદ થઈ હતી
દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે યોજાઈ હતી. જેના માટે ભાજપના 10 અને કોંગ્રેસના 12 સભ્યો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારીના આગમન બાદ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પંચાયત કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. જોકે, મીડિયા પ્રતિનિધિઓને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. અગાઉ 25 અને 27 તારીખે નિર્ધારિત ચૂંટણી વિવિધ કારણોસર રદ કરવામાં આવી હતી.
હાઈવોલ્ટેજ રાજકીય માહોલ વચ્ચે આજે ચૂંટણીના પરિણામ પર સૌની નજર હતી. દિયોદર તાલુકા પંચાયતની સત્તા કોના હાથમાં જશે તે અંગે પહેલાથી ઉત્સુકતા જોવા મળી હતી. SDM અને ચૂંટણી અધિકારી D.N. કાછડ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા. જેના બાદ પ્રથમ સાધારણ સભા શરૂ થઈ હતી. કોગ્રેસના સભ્યોની બહુમતી હોવાથી કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ પદની વરણી થશે તે નક્કી જ હતું. આખરે ભારે હાઈવૉલ્ટેજ ડ્રામા સાથે પ્રથમ સાધારણ સભામાં પ્રમુખ ઉપપ્રમુખના પદની ચૂંટણી થઈ હતી.