અમેરિકા આપ્યો મોટો ઝટકો: ટિ.સી.એસ , ઇન્ફોસિસ, વિપ્રો અને માઇક્રોસોફ્ટ માટે ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ પર મૂક્યો પ્રતિબંધ

By: Krunal Bhavsar
08 Oct, 2026

 

US Bans Green Card Sponsorship For Indian Companies : અમેરિકન સરકારે પોતાના દેશના નાગરિકો માટે નોકરીઓ સુરક્ષિત કરવાના હેતુથી H-1B વિઝા અને રોજગાર નિયમો પર અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકાએ ભારતની અગ્રણી આઈટી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ, વિપ્રો, HCL, કોગ્નિઝન્ટ તેમજ ગ્લોબલ દિગ્ગજ માઇક્રોસોફ્ટ, એડોબ અને કેપજેમિની માટે ગ્રીન કાર્ડ સ્પોન્સર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ કંપનીઓને હવે ‘પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ’ (PERM) હેઠળ નવી અરજીઓ કરવા કે પેન્ડિંગ અરજીઓ આગળ વધારવા પર રોક લગાવી દેવામાં આવી છે, જે કુશળ વિદેશી કર્મચારીઓને ગ્રીન કાર્ડ અપાવવાનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે.

નવી અરજીઓ રદ અને ફેડરલ તપાસ શરૂ

શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગે જણાવ્યું હતું કે શ્રમ વિભાગ હવે આ બ્લેકલિસ્ટેડ કંપનીઓ પાસેથી ન તો નવી અરજીઓ સ્વીકારશે કે ન તો અગાઉની પેન્ડિંગ અરજીઓ પ્રોસેસ કરશે. મુખ્ય આઉટસોર્સિંગ કંપનીઓ સામે નિયમોના ઉલ્લંઘન અને ખામીઓનો લાભ લેવાના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે માઇક્રોસોફ્ટ અને એડોબ સામે હાલ ચાલી રહેલી ફેડરલ તપાસના કારણે આ રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત ન્યાય વિભાગે અમેરિકન ઉમેદવારોને નજરઅંદાજ કરી વિદેશી કર્મચારીઓની ભરતી કરવાના મામલે ઊંડી તપાસ આદરી છે, જ્યારે હાર્વર્ડ, યેલ, સ્ટેનફોર્ડ અને MIT જેવી 9 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને J-1 વિઝાના દુરુપયોગ મુદ્દે સમન્સ પાઠવવામાં આવ્યા છે.

ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને કંપનીઓ પર ગંભીર અસર

આ પ્રતિબંધથી ભારતીય આઈટી સેક્ટર અને ત્યાં કામ કરતા હજારો પ્રોફેશનલ્સ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે આ નિર્ણયથી વર્તમાન H-1B વિઝા સીધા રદ નથી થતા, પરંતુ કામચલાઉ વિઝા પરથી કાયમી રહેઠાણ (ગ્રીન કાર્ડ) મેળવવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ખાસ કરીને જે કર્મચારીઓની 6 વર્ષની H-1B વિઝા મર્યાદા પૂરી થવા આવી છે, તેમના માટે અમેરિકામાં વધુ સમય રોકાવું હવે પડકારજનક બનશે. આ કડક આદેશના અહેવાલો બહાર આવતા જ ભારતીય આઈટી કંપનીઓના શેરોમાં શરૂઆતના કારોબારમાં જ મોટો કડાકો જોવા મળ્યો હતો.

અમેરિકન નાગરિકોને પ્રાથમિકતા!

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, અમારો સ્પષ્ટ મેસેજ છે કે, કંપનીઓએ હવે અમેરિકન વર્કર્સને નોકરી આપવી પડશે. વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે પુષ્ટિ કરી હતી કે પ્રશાસન H-1B અને J-1 વિઝાના માળખામાં મોટા પાયે ફેરફાર કરી રહ્યું છે. વિદેશી કર્મચારીઓ પર વધુ પડતી નિર્ભરતા ઘટાડીને સ્થાનિક રોજગારને વેગ આપવો એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

 


Related Posts

Load more