Bengaluru CJP Protest : ચૂંટણી પંચ અને મતદાર યાદીઓની ચકાસણી માટે ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં નાગરિક સંગઠનો અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા ગુરુવારે ‘જનતાની અદાલત’ કાર્યક્રમ યોજાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ અનેક દિગ્ગજોએ ચૂંટણી પંચની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને SIR પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી.
મત ચોરી, લોકશાહીનું હનન… અભિજિત દીપકેએ કર્યા અનેક આરોપ
સંગઠનના સંસ્થાપક અભિજિત દીપકે (Abhijeet Dipke)એ આરોપ લગાવ્યો કે, ‘દેશમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને મત ચોરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાને કારણે લોકતાંત્રિક અધિકારો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સામે મોટો ખતરો ઊભો થયો છે. દેશભરમાંથી CJPના કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવી રહ્યા હોવા છતાં લોકોનો રોષ વધુ વ્યાપક બનશે.’
ધ્રુવ રાઠીએ ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
CEC વડાપ્રધાન-ગૃહમંત્રીના ઈશારે કામ કરી રહ્યા છે : પ્રકાશ રાજ
અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) જણાવ્યું કે, ‘આ માત્ર યાદીમાંથી મત કાઢી નાખવાની વાત નથી, પરંતુ સામાન્ય નાગરિકોના ગૌરવ અને અધિકારો પર મોટો હુમલો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (CEC Gyanesh Kumar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ઈશારે કામ કરી રહ્યા છે. SIR પ્રક્રિયાથી ચૂંટણી પંચે દેશની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચાડ્યું છે.’
આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનરના પદ છોડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, કારણ કે તેમની જગ્યાએ અન્ય કોઈની નિમણૂક થઈ જશે. મૂળ માંગ સમગ્ર SIR પ્રક્રિયાને નાબૂદ કરવાની છે અને ત્યારબાદ આ મામલામાં જવાબદારો સામે કાયદેસરની તપાસ થવી જોઈએ.
બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ‘SIR રદ કરો’ અને ‘ગાદી છોડો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સભાના અંતે વિરોધ નોંધાવવા માટે કાર્યકરો દ્વારા ‘ચપ્પલ પ્રોટેસ્ટ’ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આગામી 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનાર પ્રદર્શન અંગે આશુતોષ રાંકા (Ashutosh Ranka)એ દાવો કર્યો કે, શાંતિપૂર્ણ વિરોધને અટકાવવા અને વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં તમામ પ્રદર્શનો સંપૂર્ણપણે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે જ ચાલુ રહેશે. સમગ્ર કાર્યક્રમમાં સૌરવ સહિત અન્ય યુવા અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.