મેહસાણા : ગુજરાત અને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધારતા, યુવા બેડમિન્ટન સ્ટાર તસનીમ મીરની (Tasnim Mir)ભારતીય મહિલા બેડમિન્ટન ટીમની કેપ્ટન (badminton team captain)તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ સાથે તસનીમ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નેતૃત્વ કરતી જોવા મળશે.
તસનીમ મીર જર્મનીના રૂહર શહેરમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 માં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમનું નેતૃત્વ કરશે. આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમને કેપ્ટન તરીકે તસનીમ મીરનું માર્ગદર્શન મળશે, જે એક યુવા ખેલાડી તરીકે તેની પરિપક્વતા અને નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
તસનીમ મીર અગાઉ પણ જુનિયર રેન્કિંગમાં વિશ્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કરીને ઇતિહાસ રચી ચૂકી છે. મહેસાણાની આ પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડીની કેપ્ટન તરીકેની પસંદગી ગુજરાત માટે ગર્વની વાત છે અને તે રાજ્યના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત, તસનીમ મીર અને ભારતીય મહિલા બેડમિન્ટન ટીમને આ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યું છે.
દીકરીની સફળતા અને સંઘર્ષ વિશે વાત માંડતા પિતા ઈરફાન મીર કહે છે, આ રમત ખુબ જ ખર્ચાળ છે. વર્ષમાં 8 થી 10 વખત વિદેશ પ્રવાસ કરવાનો હોય છે. ઉપરાંત પર્સનલ ટ્રેનર, ન્યૂટ્રિશનિસ્ટ, સાયકોલોજીસ્ટ અલગ-અલગ લોકો પાસેથી અલગ-અલગ ટ્રેનિંગ લેવાની હોય છે. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિને આર્થિક મદદની જરૂર પડે છે. અમારા કિસ્સામાં અમે ખુબ જ નસીબદાર છીએ. કારણ કે, ગુજરાત સરકારનો તસ્નીમને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે.
તસ્નીમ અત્યારે પશ્ચિમ બંગાળની ઓડમ્સ યુનિવર્સિટીમાંથી બી. એ. વીથ સાયક્લોજી ઓનર્સમાં અભ્યાસ કરી રહી છે. ઓગષ્ટ મહિનામાં તે ઈન્ડોનેશિયા ખાતે ઈન્ડોનેશિયા સુપર-100 ટુર્નામેન્ટ અને ઈન્ડોનેશિયા ચેલેન્જમાં ભાગ લેવાની છે. આ બધી જ ટુર્નામેન્ટ તેના માટે એટલે મહત્વની છે. કારણ કે તેમાં વર્લ્ડ ટોપ 10 ખેલાડીઓ ભાગ લેતા હોય છે. નાનપણથી જ સફળતા મેળવી રહેલ તસ્નીમનું સ્વપ્ન આ રમતમાં વર્લ્ડ નંબર વન બનવાનું છે. સાથે જ દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરવાની તમન્ના પણ ખરી.