જવાહર ચાવડાએ માણાવદર યાર્ડને ખંઢેર કરી નાખ્યું: મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ

By: nationgujarat
23 Sep, 2024

જુનાગઢ,તા.23
એક બાજુ સતત લેટર બોંબનો મારો ચલાવનાર ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ભાજપના શિસ્તબંધ પાર્ટીના લીરા ઉડાડવા પ્રયાસ કરી જીલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ મંત્રી સ્વ. રતીભાઈ સુરેજા સહિતના વિવિધ આગેવાનો સામે તેમને હરાવવાના લેટર બોંબ ફાડયા બાદ પણ પ્રદેશ ભાજપમાંથી કોઈ કાર્યવાહી કે પગલા ન લેવાતા આશ્ચર્ય ફેલાયું હતું.

હવે માણાવદરના હાલના ધારાસભ્ય અરવિંદ લાડાણી જેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી આજદિન સુધી કોઈએ લીડ ન મેળવી હોય તેવી 31 હજાર મતોની લીડથી ચુંટાઈ આવ્યા હતા. આ મામલે જવાહર ચાવડાને વર્ષ 2022માં તેમને હણાવ્યાના આક્ષેપો ભાજપના જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ સહિત વિવિધ આગેવાનોના નામજોગ લેટરો વડાપ્રધાન સુધી લખ્યાની અને ભાજપમાં જ રહી ભાજપના નેતાઓ ઉપર લેટર બોંબ ફોડયા હતા ત્યારે માણાવદરના હાલના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ખુલ્લેઆમ મોરચો માંડયો છે.

તેમણે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. માણાવદર યાર્ડના 1995માં સ્થાપના બાદ જયરામભાઈ પટેલ બાદ એકહથ્થુ શાસન કરી જવાહર ચાવડા ચેરમેન પદે રહેલ અને યાર્ડને આર્થિક રીતે પાયમાલ કરી નાખી હાલ રૂા.4 કરોડથી વધુ રકમનું દેણું કરી નાખ્યું છે. હાલ યાર્ડ ભેંકાર હાલતમાં ભીતડા ઉભા છે. સ્મશાન જેવી હાલત માણાવદર યાર્ડની થવા પામી છે.

હાલ છેલ્લા અઢી વર્ષથી સરકારના નવા નિયમોના ફેરફારના કારણે માણાવદર યાર્ડમાં ચેરમેન તરીકે સમેગાના જગદીશ મારૂ યાર્ડ ચલાવી રહ્યા છે. જવાહર ચાવડાના શાસનમાં દોઢ કરોડ ઉપરની લોન લઈને યાર્ડ ઉભું કરાયું હતું. જે બાંધકામ થવા પામ્યું છે તે હાલ ખંઢેર હાલતમાં ભીતડા ઉભા હોય તેવા ભેંકાર હાલતમાં જોવા મળી રહ્યા છે.

બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલ છે. અત્યંત નબળુ દેખાઈ રહ્યું છે. જે હાલમાં સ્મશાન ઘાટ બની ચુકયું છે. યાર્ડ પાસે બેંક ચાર કરોડથી વધુ રકમ માંગી રહી છે. યાર્ડની ભરતીમાં પણ ભ્રષ્ટાચાર થયાનો અને યાર્ડમાં કોઈ કામગીરી કર્મીઓ કરતા નથી માત્ર પગાર ઘરે બેઠા લઈ રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડ્રાઈવર-વોચમેન
અહીં યાર્ડમાં બિલ્ડીંગ જ નથી તો વોચમેનનું શું કામ? યાર્ડ પાસે એક પણ વાહન નથી. તો ડ્રાઈવરની ભરતીની શું જરૂરત. વર્ષો પહેલા જીપ હતી તે વહેંચી નાખવામાં આવી છે. આ અંગે તેમના દ્વારા 28 જુલાઈ 2024ના સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માને લેખીત ફરીયાદ કરી હતી. તેના હીસાબોની ત્રણ વર્ષની માંગણી કરી હતી. 2024માં પેટા ચૂંટણીમાં પણ જવાહર ચાવડા દ્વારા તેમને હરાવવા માટે પ્રયાસો થયેલા તેની પણ અરવિંદ લાડાણીએ પ્રદેશ સહિતમાં ફરીયાદ કરી છે. ઉપરાંત તેમણે કરેલી ભુલો આગામી સમયમાં પ્રજા સમક્ષ મુકવામાં આવશે તેમ જણાવાયું છે.

આમ હાલ ભાજપમાં જ રહેલા ભાજપના જ નેતાઓ વચ્ચે લડાઈ જોવા મળી રહી છે જેમાં કોંગીને પણ બગાસી ખાતા પતાસુ મોઢામાં આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

તપાસની માંગ
તાજેતરમાં જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલે બોલાવેલી પત્રકાર પરિષદમાં પણ માણાવદર માર્કેટીંગ યાર્ડનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. ત્યારે કીરીટ પટેલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સહકાર મંત્રી સમક્ષ લેખીત ફરીયાદ કર્યાનું પત્રકારોએ જણાવ્યું હતું. તે વાત ખરી નીકળતા અરવિંદ લાડાણીએ સહકારમંત્રીને લેખીત તપાસ અને ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરી છે. હવે નજીકના ભવિષ્યમાં નવાજુનીના અંધાણ વર્તાઈ રહ્યા છે.


Related Posts

Load more