Omar Abdullah’s Gujarat Tour : અમે હતાશ નથી, J&K માં ટુરિઝમ વધે એટલે આવ્યા : CM ઓમર અબ્દુલ્લા

By: Krunal Bhavsar
31 Jul, 2025

Date 31/07/2025   

Omar Abdullah’s Gujarat Tour : જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) હાલ બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે  શુભેચ્છા મુલાકાત થઈ હતી. આજે પ્રેસને સંબોધિ ઓમર અબ્દુલ્લાએ ગુજરાતની જનતાને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) આવવા અપીલ કરી છે. પહેલગામ હુમલા (Pahalgam Terror Attack) પછી સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીર ટુરિસ્ટ વગર સૂનું થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ગુજરાતની જનતાને કહેવું છે કે કાશ્મીરનાં દ્વાર તમારા માટે ખુલ્લા છે : ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે અમદાવાદ ખાતે (Ahmedabad) જમ્મુ-કાશ્મીર ટુરિઝમ અને ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન, CM ઓમર અબ્દુલ્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનું ટુરિસ્ટ માર્કેટ મહારાષ્ટ્ર-ગુજરાતમાંથી પણ છે. પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાતની જનતાને એ જ કહેવું છે કે કાશ્મીરનાં દ્વાર તમારા માટે ખુલ્લા છે.

‘જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમને વધુ પ્રોત્સાહન મળે તે માટે અમે અહીં આવ્યા’

CM ઓમર અબ્દુલ્લાએ (Omar Abdullah) પત્રકારોના જવાબ આપતા કહ્યું કે, ગુજરાતનાં લોકો કોઈ પણ ડર કે ભય વગર જમ્મુ-કાશ્મીર આવે તે માટે અમે અહીં આવ્યા છીએ. એક સવાલનાં જવાબમાં તેમણે આગળ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર રાજ્યની માગ કેન્દ્ર સરકાર પૂરી કરે. સુરક્ષાની જવાબદારી અમને આપો, અમે બધું સંભાળી લઈશું. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, હાલ અમરનાથ યાત્રા (Amarnath Yatra) ચાલી રહી છે. અત્યાર સુધીમાં પોણા ચાર લાખ યાત્રીઓ અમરનાથ દર્શન કરવામાં માટે આવ્યા છે. કાશ્મીર ખાલી નથી થયું. અમે હતાશ કે માયુસ થઈને અહીં નથી આવ્યા. અમે અહીં આવ્યા જેથી જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમને (Jammu and Kashmir Tourism) વધુ પ્રોત્સાહન મળે. લોકો પહેલાની જેમ નિ:સંકોચ જમ્મુ-કાશ્મીર આવી શકે તે માટે આવ્યા છીએ. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પહેલગામ હુમલા પછી ટુરિઝમને અસર તો થઈ છે. હુમલા પહેલા 55 ફ્લાઇટ અવરજવર કરતી હતી, જે હુમલા બાદ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. પરંતુ, હવે પરિસ્થિતિઓમાં સુધારો થયો છે અને ફ્લાઇટ્સની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સાબરમતી રિવરફ્રન્ટ પર સવારે દોડ લગાવી

જણાવી દઈએ કે, આ પહેલા CM ઓમર અબ્દુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટીની (SOU) મુલાકાત લીધી હતી. ત્યારે આજે સવારે અમદાવાદનાં સાબરમતી રિવરફ્રંટ (Sabarmati Riverfront) ખાતે ‘મોર્નિંગ રન’ કરી હતી. સાથે આઈકોનિક અટલ બ્રિજની (Atal Bridge) મુલાકાત પણ લીધી હતી. આ અંગેની કેટલીક તસવીરો ઓમર અબ્દુલ્લા તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર શેર કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી.

 


Related Posts

Load more