Air India Flight Technical Issue : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ નવી દિલ્હી એરપોર્ટ પર આજે (31 જુલાઈ) એર ઈન્ડિયાની બે ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. દિલ્હીથી લંડન અને અમૃતસર જઈ રહેલા બે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ રદ કરી દેવામાં આવી છે.
એર ઈન્ડિયાની બે ફ્લાઈટમાં ખામી
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે (31 જુલાઈ) પાયલટની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળી છે. વાસ્તવમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-AI2017 ટેક-ઓફ થવાની હતી, જોકે પાયલટને ફ્લાઈટમાં ગડબડ હોવાનો અનુભવ થયા બાદ તેને ટેકઓફ પહેલા જ અટકાવી દેવાઈ છે. આ ઉપરાંત દિલ્હીથી અમૃતસર ટેકઓફ થનારી ફ્લાઈટ નંબર-A321માં પણ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે રદ કરવામાં આવી છે.
પાયલટને આશંકા જતા ટેકઓફ અટકાવ્યું
એરપોર્ટના ટર્મિનલ-3 પરથી બોઈંગ 787-9 ફ્લાઈટ લંડન માટે ટેકઓફ થવાની હતી, જોકે તે પહેલા જ પાયલટને ફ્લાઈટમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા ગઈ હતી, જેના કારણે તાત્કાલીક ફ્લાઈટની ટેકઓફ પ્રક્રિયા અટકાવી દેવાઈ છે. પાયલટ અને કૉકપિટ ક્રૂએ નિયમોનું પાલન કરી તુરંત ટેકઓફ ન કરવાનો નિર્ણય લીધો હતો અને ફ્લાઈટ પાર્કિંગ બેમાં પરત લઈ ગયા હતા.
મુસાફરોને અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી અપાઈ
એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘પાયલટ અને કૉકપિટ ક્રૂએ સુરક્ષાને પ્રાથમિકતા આપી લંડન જતી ફ્લાઈટ ટેકઓફ ન કરવાનો સાવધાનીપૂર્વક નિર્ણય લીધો છે. અમારા ગ્રાઉન્ડ સ્ટાફ તમામ પ્રવાસીઓને મદદ અને સહયોગ કરી રહ્યા છે. અમે પ્રવાસીઓ માટે અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરી આપી છે.’
જોકે, એરલાઈને અમૃતસર જતી ફ્લાઈટ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. બંને ફ્લાઇટમાં કેટલા મુસાફરો હતા તેની વિગતો પણ સામે આવી નથી.