ગુજરાત ભાજપમાં શું બધું ઠીક-ઠાક છે. અમદાવાદ ભાજપમાં ફરીથી આંતરીક વિખવાદ સામે આવ્યો છે. અમદાવાદના મણિનગરના ભાજપના કાર્યકર્તાનો કથિત લેટર સોશિયલ મીડિયા અને સ્થાનિક ભાજપમાં ફરતો થયો છે. લેટર વાયરલ થયા બાદ અમદાવાદ ભાજપમાં ખળભળાટ મચ્યો છે. મણિનગરના ભાજપ કાર્યકર્તાએ પૂર્વ મનપા પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને તેમની નજીકના નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
કથિત લેટરમાં કાર્યકર્તાએ વગદાર નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે પક્ષના નામે હોદ્દાનો દુરઉપયોગ કરીને ફક્ત રૂપિયાની કમાણી જ કરી છે. આ કથિત પત્ર વિધાનસભાના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને પણ મોકલાવામાં આવ્યો છે. આ કથિત લેટર બોમ્બથી ગાંધીનગરમાં પણ હડકંપ મચ્યો છે. લેટરમાં ધર્મેન્દ્ર શાહની ચંડાળ ચોકડીનો ઉલ્લેખ કર્યો છે.
આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અને નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલે છે. કેટલી અને ક્યાં તેમની સંપત્તિ છે તેનું લખાણ પણ પત્રમાં લખવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહને બંને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી.