બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન આજે 61 વર્ષના થઈ ચૂક્યા છે. ફિલ્મો કરતાં વધુ તેમની હાજરજવાબી પણ ખૂબ પ્રખ્યાત છે. ફિલ્મોમાં રોમાન્સ કરતા દેખાતા શાહરુખ ઘણા પ્રસંગોએ પોતાના પર લાગેલા પાયાવિહોણા આરોપો અને પરિવાર પર વાત આવવા પર ઘણા લોકોને આડે હાથ લઈ ચૂક્યા છે, પછી ભલે તે કોઈ મોટા નેતા હોય કે કોઈ પ્રોડ્યુસર.
આજે શાહરુખ ખાનના બર્થ-ડેના પ્રસંગે જાણો, પરિવાર અને સ્વાભિમાન માટે લડનારા શાહરુખના કિસ્સા-
કિસ્સો- 1
હિરોઈન સાથે અફેરના સમાચાર છાપનારને કહ્યું- કાપી નાખીશ, જીવતો દાટી દઈશ
શાહરુખ નવા-નવા ફિલ્મોમાં આવ્યા હતા અને તેમના લગ્ન પણ નવા-નવા થયા હતા. આ સમયે તેમને દીપા સેન સાથે ફિલ્મ ‘માયા મેમસાબ’ (1993)માં કાસ્ટ કરવામાં આવ્યા. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ એક મેગેઝિને કવર પેજ પર શાહરુખની મોટી તસવીર સાથે લખ્યું કે શૂટિંગમાં હિરોઈન સાથે અસ્વસ્થતા ન અનુભવાય તે માટે તેમણે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.
મેગેઝિન ઘરે પહોંચ્યું, તો શાહરુખના પત્ની ગૌરી ખાન ડરી ગયાં. શાહરુખે વાંચતાની સાથે જ સીધો મેગેઝિનના એડિટરને કોલ કર્યો અને કહ્યું- આ શું છાપ્યું છે? જવાબ મળ્યો- શાહરુખ, આ મજાક છે.
શાહરુખે ગાળોનો વરસાદ કરી દીધો અને કોલ પર જ ધમકી આપી દીધી. એ જ સાંજે શાહરુખ, લગ્નમાં આર્મી ઓફિસર સસરા તરફથી વરઘોડા વખતે મળેલી તલવાર લઈને મેગેઝિનના રિપોર્ટરના ઘરે પહોંચી ગયા. પહોંચતાની સાથે જ તેમણે એ રિપોર્ટરના પગ વચ્ચે તલવાર અડાડી દીધી. ગાળાગાળી થઈ અને શાહરુખે તેના પેરેન્ટ્સને કહ્યું- હું આને કાપી નાખીશ.
એ દિવસે રિપોર્ટરના ઘરમાં એક પાર્ટી હતી, જેમાં ઘણા લોકો આવેલા હતા, પરંતુ શાહરુખે આવું-તેવું જોયા વિના સીધો બખેડો ઊભો કરી, જબરદસ્ત મારપીટ કરી અને ગાળો વરસાવી. તેમણે ધમકી આપી કે ફરી એવું થયું, તો તેઓ બધાને જીવતા દાટી દેશે. શાહરુખ ગુસ્સામાં લાલચોળ થઈને ઘરે પાછા ફર્યા.
બીજા દિવસે તેમનો ગુસ્સો શાંત થઈ ચૂક્યો હતો. સાંજે તેઓ બીજી ફિલ્મ ‘કભી હાં કભી ના’નું શૂટિંગ કરવા ચાલ્યા ગયા. સેટ પર પોલીસ આવી, શાહરુખને લાગ્યું ફેન છે. કેટલીક તસવીરો ક્લિક કર્યા પછી પોલીસે કહ્યું- તમને સ્ટેશને બોલાવવામાં આવ્યા છે. શાહરુખને લાગ્યું કોઈ ઓફિસર તેમને મળવા માગે છે. તેઓ સ્ટાઈલમાં પોલીસ સ્ટેશન ગયા. જેવા તેઓ ખુરશી પર બેસવા ગયા, ઓફિસરે મોટેથી કહ્યું- બેસવાની જરૂર નથી. તમારી વિરુદ્ધ ફરિયાદ મળી છે. સાંજના 6 વાગી ગયા હતા, તેથી જામીનની પણ આશા નહોતી. પોલીસે તેમને એક કોલ કરવાની પરવાનગી આપી. પરંતુ શાહરુખે પરિવાર, વકીલ કે મિત્રોની જગ્યાએ સીધો ફરિયાદ કરનાર રિપોર્ટરને કોલ લગાવ્યો અને કહ્યું- હવે તો હું જેલમાં આવી ગયો છું, નીકળીને તને છોડીશ નહીં.
શાહરુખને ફોર્માલિટી પછી જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે નાના પાટેકરે તેમને જામીન અપાવ્યા હતા. આ કિસ્સો ખુદ શાહરુખે 2012ના થિંક ફેસ્ટમાં સંભળાવ્યો હતો.
કિસ્સો- 2
છોકરીઓની છેડતી કરનારા છોકરાઓને માર માર્યો
શાહરુખ ખાન અને સલમાન ખાન રાજસ્થાનમાં ફિલ્મ ‘કરણ અર્જુન’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો તેમનું શૂટિંગ જોવા ભેગા થતા હતા. એક દિવસ શાહરુખના ગીતનું શૂટિંગ થયું, જેમાં કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશની ટીમની ઘણી છોકરીઓ પણ સામેલ હતી. શૂટિંગ વચ્ચે કેટલાક છોકરાઓ આવીને, એ છોકરીઓ પર કમેન્ટ કરીને અસભ્ય વર્તન કરવા લાગ્યા. પહેલા તો ટીમે છોકરાઓને સમજાવીને ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેઓ ત્યારે પણ સતત અસભ્ય વર્તન કરતા રહ્યા, તો શાહરુખ અને સલમાને લાકડીથી એ છોકરાઓને માર્યા. સેટના લોકો ડરી ગયા કે ક્યાંક એ છોકરાઓ હંગામો ન ઊભો કરી દે, આ કારણે એ છોકરીઓને ઉતાવળમાં સેટથી હોટેલ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવી હતી.
કિસ્સો- 3
અંડરવર્લ્ડની ધમકી મળી, તો જવાબમાં કહ્યું- પઠાણ છું
90ના દાયકામાં બોલિવૂડમાં અંડરવર્લ્ડની દખલગીરી વધવા લાગી. ઘણા પ્રોડ્યુસર્સ પાસેથી પ્રોટેક્શન મનીના નામે લાખો વસૂલવામાં આવતા, તો ઘણા હીરો-હિરોઈન પર કેટલાક પ્રોડ્યુસરની ફિલ્મો કરવાનો દબાણ બનાવવામાં આવતું હતું. વાત ન માનનારાઓને મારી નાખવાની ધમકી આપવામાં આવતી. આવી જ રીતે પ્રોડ્યુસર ગુલશન કુમારની હત્યા કરી દેવામાં આવી અને રાજીવ રાઈને ધમકાવવામાં આવ્યા. રાકેશ રોશન પર પણ હુમલો થયો. એક દિવસ શાહરુખ ખાન ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે જ તેમની પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના શાર્પશૂટર અબૂ સલેમનો કોલ આવ્યો. તેમના પર એક પ્રોડ્યુસરની ફિલ્મ કરવાનો દબાણ બનાવવામાં આવ્યું. શાહરુખે પહેલા ખૂબ નમ્રતાથી કહ્યું કે તેઓ પહેલાથી જ ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે, એવામાં કોઈ નવી ફિલ્મ નહીં કરી શકે.
પરંતુ કોલ પર તેમને ધમકીઓ આપવામાં આવવા લાગી. કહેવામાં આવ્યું- હું તારી પાસે એક માણસ મોકલી રહ્યો છું, તને તારા જીવની પરવા ન હોય તો ફિલ્મ કરી લેજે.
શાહરુખે જવાબ આપ્યો, “હું પઠાણ છું, ગોળી મારવી હોય તો મારી દે. ડરતો નથી.”
કેટલાક દિવસો વીતી ગયા. શાહરુખ ફિલ્મ ‘ડુપ્લિકેટ’નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે જ તેમની પાસે છોટા શકીલનો કોલ આવ્યો. શાહરુખે ફરી ઈનકાર કરી દીધો. પરંતુ આ પછી તેમણે પોતાની આસપાસની સિક્યોરિટી વધારી દીધી અને બુલેટપ્રૂફ કાર પણ ખરીદી. શાહરુખને 2013માં પણ અંડરવર્લ્ડની ધમકી મળી ચૂકી છે.
કિસ્સો- 4
‘મન્નત’ પર પથ્થરમારા બાદ પુત્રી સુહાના રોઈ, તો આપી દીધી ધમકી
વર્ષ 2007માં શાહરુખ ખાને સૈફ અલી ખાન સાથે આઈફા એવોર્ડ હોસ્ટ કર્યો હતો. હોસ્ટિંગ વચ્ચે શાહરુખે સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહની મજાક ઉડાવતા કહ્યું હતું કે તેમની આંખોમાં ક્રૂરતા દેખાય છે. એ સમયે તો બધા જોર-જોરથી હસી પડ્યા, પરંતુ શો ટેલિકાસ્ટ થયા પછી સપા નેતાના સપોર્ટર્સ શાહરુખને ધમકીઓ આપવા લાગ્યા.
સપોર્ટર્સે 5 માર્ચ 2007ના રોજ શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ બહાર હંગામો કર્યો. શાહરુખ ખાન, શૂટિંગ પર હતા અને પત્ની ગૌરી ખાન કોઈ કામથી ઘરની બહાર ગયેલાં હતાં, પરંતુ બાળકો ઘરમાં જ હતા. જલ્દી જ ગુસ્સે ભરાયેલી ભીડે સૂત્રોચ્ચાર કરતા ઘરમાં પથ્થર મારવાનું શરૂ કરી દીધું. આ જોઈને શાહરુખની પુત્રી સુહાના ખાન જોર-જોરથી રોવા લાગી, જે 6 વર્ષની હતી. મોટો પુત્ર આર્યન પણ રોઈ રહ્યો હતો અને શાહરુખની બહેનની તબિયત ખરાબ હતી.
ઘરેથી કોલ આવતા જ શાહરુખે શૂટિંગ કેન્સલ કર્યું અને પોલીસને ફરિયાદ કરી. ઝડપથી પોલીસે ભીડ પર કાબૂ મેળવી લીધો. શાહરુખ પણ તરત જ બાળકો પાસે પહોંચ્યા.
શાહરુખ આ ઈન્સિડન્ટથી ખૂબ નારાજ થયા. કેટલાક દિવસો પછી મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં શાહરુખે કહ્યું, મારે મારું શૂટ કેન્સલ કરીને ઘરે ભાગવું પડ્યું હતું, કારણ કે મારી 6 વર્ષની પુત્રી સુહાના રોઈ રહી હતી. મારા ઘરની બહાર લોકો દેકારો કરી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા. મારો પુત્ર આર્યન ડરેલો હતો કે ક્યાંક કોઈ પથ્થર ન ફેંકી દે. જો તમે આ કહીને મને ડરાવવા માગતા હોવ કે મને નુકસાન પહોંચાડશો, તો હું ડરી જઈશ, કારણ કે મારા ન રહ્યા પછી મારા બાળકોને કોણ જોશે? જો મને નુકસાન પહોંચાડશો, તો હું મારા વિશે નહીં વિચારું.
આગળ શાહરુખે કહ્યું, હું એક પઠાણ છું અને મારા પરિવારને લઈને ખૂબ પ્રોટેક્ટિવ છું. જો હું પોલીસના આવ્યા પહેલા આવી ગયો હોત, તો મેં મારી પુત્રીને રડાવનારા એ તમામ લોકોને રડાવી દીધા હોત. આ એક પઠાણનું વચન છે, મેં તેમને બક્ષ્યા ન હોત.
કિસ્સો- 5
કામની મજાક ઉડાવી તો સલમાન સાથે થઈ હાથાપાઈ, સંજય દત્તે કર્યો વચગાળાનો બચાવ
શાહરુખ-સલમાન 90ના દાયકામાં સારા મિત્રો હતા. બંને સાથે ફિલ્મો પણ કરતા હતા. પછી જ્યારે શાહરુખે ઐશ્વર્યા સાથે ફિલ્મ ‘ચલતે ચલતે’નું શૂટિંગ શરૂ કર્યું, તો આ દોસ્તીમાં તિરાડ આવી ગઈ. ખરેખર, સલમાન વારંવાર સેટ પર આવીને ઐશ્વર્યાના કારણે હંગામો કરતો હતો. શાહરુખે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવીને રાનીને લઈ લીધી. સલમાન-શાહરુખમાં અણબનાવ તો થયો, પરંતુ ફરાહ ખાને પોતાના લગ્નમાં બંનેની ફરી સમાધાન કરાવ્યું. મિત્રતા ફરી ચર્ચામાં આવી ગઈ. પછી વર્ષ 2008માં શાહરુખ પત્ની સાથે સલમાનની ગર્લફ્રેન્ડ કેટરિનાની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા. મજાક-મજાકમાં સલમાને શાહરુખના ટીવી શો ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈં’ની મજાક ઉડાવી દીધી. શાહરુખ કામની મજાક બનતી જોઈને ચીડાઈ ગયા અને બંને વચ્ચે ત્યાં જ બોલાચાલી શરૂ થઈ ગઈ. જોતજોતામાં હાથાપાઈ પણ થવા લાગી. સંજય દત્તે વચગાળાનો બચાવ કરાવ્યો અને શાહરુખ તરત વાઈફ ગૌરી ખાન સાથે પાર્ટી મૂકીને નીકળી ગયા. ઝઘડા પછી બંનેએ વર્ષો સુધી એકબીજા સાથે વાત ન કરી, જોકે હવે બંને ફરી મિત્રો બની ચૂક્યા છે.