ધર્મશાલા એરપોર્ટ બંધ થતાં MI vs PBKSની મેચનું સ્થળ બદલાયું, હવે અમદાવાદમાં રમાશે

By: nationgujarat
08 May, 2025

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનથી પહલગામ હુમલાનો બદલો લીધા બાદ તંગદિલી સર્જાઈ છે. આ દરમિયાન ભારતમાં હાલમાં રમાઇ રહેલી IPL-2025ની ઘણી મેચનું આયોજન સરહદી રાજ્યોમાં પણ છે. એવામાં હવે IPLને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મુંબઈ અને પંજાબ (Mi vs PBKS) વચ્ચેની મેચનું સ્થળ બદલી નાખવામાં આવ્યું છે. આ મેચ અગાઉ ધર્મશાળામાં રમાવાની હતી પરંતુ ધર્મશાળા એરપોર્ટ બંધ થતાં  હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમાચારના એક દિવસ પહેલાં બુધવારે (7 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે મુંબઈ-પંજાબની મેચ

મુંબઈ અને પંજાબ વચ્ચેની 11 તારીખની મેચ હવે ધર્મશાલાની બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં ધર્મશાલાને બદલે મુંબઈમાં રમાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ન્યૂટ્રલ સ્થળની માંગ કરતા હવે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

બોમ્બથી ઉડાડવાની મળી ધમકી

નોંધનીય છે કે, બુધવારે (7 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યાનો અહેવાલ સામે આવ્યો હતો. પાકિસ્તાનના નામથી GCAને ઇમેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું. સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, ઇમેલમાં માત્ર એક લાઇન લખવામાં આવ્યો છે. જેમાં  ‘We Will Blast Your Studium’ એટલું જ લખ્યું છે. એવામાં IPLની મેચના આયોજનના કારણે ઇમેલની ગંભીરતાથી લઇને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતાં આ ધમકીભર્યા ઇમેલને હળવાશ લઈ શકાય નહી.


Related Posts

Load more