મોદીને ઇઝરાયલી સંસદનું સર્વોચ્ચ સન્માન:PMએ હમાસના હુમલાની નિંદા કરી

By: Nation Gujarat Team
26 Feb, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસના ઈઝરાયલ પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું.

ત્યારબાદ પીએમ મોદીએ ઈઝરાયલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરી. આ દરમિયાન તેમને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ આપવામાં આવ્યું. નેસેટને સંબોધિત કરતા મોદીએ ઈઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું:

અમે તમારી પીડા સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડિત છે. ભારત ઈઝરાયલની સાથે ઊભું છે.

જ્યારે નેતન્યાહુએ કહ્યું, ‘મોદી મારા ભાઈ જેવા છે, મારા દિલમાં તેમના માટે ખાસ જગ્યા છે.’ તેમણે મોદીને એશિયાના સિંહ અને દુનિયાના સન્માનિત નેતા ગણાવ્યા.

મોદીના સંબોધનની 8 મોટી વાતો…

  • ઈઝરાયલી સંસદમાં બોલવું એ સન્માનની વાત: ઈઝરાયલી સંસદ સામે ઊભા રહીને ગર્વ અનુભવી રહ્યો છું. હું એક પ્રાચીન સભ્યતા ભારતનું પ્રતિનિધિત્વ કરતા બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરી રહ્યો છું.
  • 140 કરોડ ભારતીયોનો સંદેશ લઈને આવ્યો છું: 140 કરોડ ભારતીયો તરફથી તમારા માટે શુભેચ્છાઓ, મિત્રતા, સન્માન અને મજબૂત ભાગીદારીનો સંદેશ લઈને આવ્યો છું.
  • ભારતમાં યહૂદીઓ હંમેશા સુરક્ષિત રહ્યા: ગર્વ સાથે કહી શકું છું કે ભારતમાં યહૂદી સમુદાય કોઈ પણ ડર, ભેદભાવ કે ઉત્પીડન વગર રહ્યો છે. તેમણે પોતાની આસ્થા સુરક્ષિત રાખી અને સમાજમાં પૂરી ભાગીદારી કરી.
  • ભારત-ઈઝરાયલના 2 હજાર વર્ષ જૂના સંબંધો: ભારત અને ઈઝરાયલનો સંબંધ 2 હજાર વર્ષથી પણ જૂનો છે. ‘બુક ઓફ એસ્તેર’માં ભારતનો ઉલ્લેખ મળે છે અને ‘તલમુદ’માં આપણા વ્યાપારિક સંબંધોનો ઉલ્લેખ છે.
  • પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું: પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન આ વિસ્તારમાં 4 હજારથી વધુ ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યું હતું. આપણો સંબંધ લોહી અને ત્યાગ સાથે પણ જોડાયેલો છે.
  • આતંકવાદ ક્યારેય યોગ્ય નથી: કોઈ પણ કારણસર સામાન્ય નાગરિકોની હત્યાને યોગ્ય ઠેરવી શકાય નહીં. આતંકવાદ ક્યારેય પણ વાજબી નથી. ભારતે પણ આતંકવાદની પીડા સહન કરી છે, તેથી અમારી નીતિ સ્પષ્ટ અને કડક છે.
  • ગાઝા પહેલનું સમર્થન: UNSC સમર્થિત ગાઝા શાંતિ પહેલનું સમર્થન કરું છું. મને વિશ્વાસ છે કે આ પહેલ વિસ્તારમાં ન્યાયપૂર્ણ અને સ્થાયી શાંતિ લાવી શકે છે. ભારત વાતચીત, શાંતિ અને સ્થિરતા માટે તમારી સાથે ઊભું છે.

નેતન્યાહુના સંબોધનની 5 મોટી વાતો…

  • ભારતમાં યહૂદીઓ પર ક્યારેય અત્યાચાર નથી થયો: ભારત એક એવી સભ્યતા છે, જ્યાં યહૂદીઓને ક્યારેય સતાવવામાં નથી આવ્યા. ભારતનો આભાર, ત્યાં યહૂદી સમુદાયનું હંમેશા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.
  • ભારત-ઈઝરાયલ સંબંધો અત્યંત ખાસ અને મજબૂત: બંને દેશોના સંબંધો માત્ર રાજદ્વારી નથી, પરંતુ દિલથી જોડાયેલા છે. ભારત અને ઈઝરાયલનું ગઠબંધન બંને દેશોની તાકાતને ઘણી ગણી વધારી દે છે.
  • ‘મોદી હગ’ સાચી મિત્રતાનું પ્રતીક: ‘મોદી હગ’ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને તે ઔપકારિકતા નથી, પરંતુ સાચા સંબંધની નિશાની છે.
  • ભાગીદારીથી તાકાત ઘણી ગણી વધી: બંને દેશોએ મળીને વેપાર બમણો, સહયોગ ત્રણ ગણો અને પરસ્પર સમજણ ચાર ગણી વધારી છે. આ ગઠબંધન બંને દેશોની તાકાતને ઘણી ગણી વધારનારું છે.
  • મોદીને મિત્રથી વધુ ભાઈ ગણાવ્યા: મોદી મારા ગ્રેટ ફ્રેન્ડ અને વિશ્વ મંચના મોટા નેતા છે. હું મોદીને માત્ર મિત્ર જ નહીં, પણ ભાઈ જેવા માનું છું. પીએમ મોદી એશિયાના સિંહ છે.

એરપોર્ટ પર નેતન્યાહુ-મોદીએ પ્રાઇવેટ વાતચીત કરી આ પહેલા એરપોર્ટ પર જ PM મોદી અને નેતન્યાહુએ રાજધાની તેલ અવીવમાં ખાનગી વાતચીત પણ કરી હતી. ત્યારબાદ તેઓ હોટેલ પહોંચ્યા જ્યાં, પ્રવાસી ભારતીયોએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન કલાકારોએ પરફોર્મન્સ પણ આપ્યું. મોદીનો આ 9 વર્ષમાં બીજો ઈઝરાયલ પ્રવાસ છે. આ પહેલા તેઓ જુલાઈ 2017માં તેલ અવીવ ગયા હતા.


Related Posts

Load more