જોકે આ પ્રશ્નના જવાબમાં આંકડાકીય માહિતી આપતા મનીષા વકીલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 દરમિયાન સામાજિક ન્યાય અધિકારિતા નિગમને 76.50 કરોડ રૂપિયા ફાળવાયા હતા, જેમાંથી 28 કરોડ રૂપિયા વપરાશ વિના રહી ગયા. અલ્પસંખ્યક વિકાસ નિગમને 22.80 કરોડ રૂપિયા ફાળવાયા હતા, જેમાંથી અંદાજે 40 ટકા રકમ વપરાઈ નથી. ઠાકોર-કોળી વિકાસ નિગમને 89 કરોડ રૂપિયા ફાળવાયા હોવા છતાં તેમાંના 58 ટકા નાણાં ખર્ચાયા નથી. ગોપાલક સમાજ માટે ફાળવાયેલા 23.44 કરોડ રૂપિયામાંથી લગભગ 50 ટકા રકમ વણવપરાયેલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે જ્યારે અન્ય કેટલાક નિગમોને વધુ રકમ ફાળવવામાં આવે છે, ત્યારે SC/ST અને OBC વર્ગના વિકાસ માટેના નિગમોમાં નાણાંનો પૂરતો ઉપયોગ કેમ થતો નથી? “જો અન્ય નિગમોને વધુ રકમ ફાળવો છો તો તેનો આધાર શું છે? સરકાર ગૃહમાં સ્પષ્ટ જવાબ આપતી નથી,” એમ અમિત ચાવડાએ કહ્યું.
સરકાર તરફથી આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવી જવાબ આપવામાં આવ્યો હોવાની માહિતી છે, પરંતુ વિપક્ષે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પછાત વર્ગોના હકો અને હિસ્સા માટે તેઓ આગળ પણ લડત ચાલુ રાખશે. આ મુદ્દે આગામી દિવસોમાં ગૃહમાં વધુ ચર્ચા અને રાજકીય ટકરાવ જોવા મળી શકે છે.