India Reacts on US Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર આકરાં પગલાં ભરશે.
ભારતે કહ્યું કે, ‘સરકારે આપણા ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના કલ્યાણની રક્ષા અને સંવર્ધનને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સરકારે આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરશે, જેમ કે બ્રિટન સાથે આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય કરાર મુદ્દે કર્યું છે.’
દરમિયાન અર્થશાસ્ત્રીઓ ભારત માટે અન્ય દેશો સાથે ગાઢ આર્થિક સંબંધો બનાવવા, નવા બજારો શોધવા અને પોતાના દેશમાં નવી તકો જોવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓથી પ્રેરિત બદલાતી ભૂરાજનીતિ વચ્ચે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ ફરીથી સંતુલિત થતાં આ સુધારા તરફ દોરી જશે.
અમેરિકા શું ઇચ્છે છે?
અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો અને આનુવંશિક રીતે સુધારેલા પાક માટે બજારો ખોલવા અને તેમના પરના ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં 100 ટકા સુધી ટેરિફ દૂર કરે અથવા ઘટાડે. ભારત આ માટે સંમત નથી. ભારત સંમત ન થવાનું કારણ એ છે કે ભારતમાં વસ્તીનો મોટો વર્ગ આનાથી પ્રભાવિત થશે. ખાસ કરીને નાના ખેડૂતો આનાથી પ્રભાવિત થઈ શકે છે.
અમેરિકાએ ભારત પર ઝીંક્યો 25% ટેરિફ
અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ ઝીંક્યો છે. ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ‘ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.’