કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં બોલી- ‘હર હર મહાદેવ’

By: Nation Gujarat Team
25 Feb, 2026

મહાશિવરાત્રિના પર્વ પર મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં એક બાદ એક ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનથી ધરપકડ કરાયા બાદ ગઈકાલે (23 ફેબ્રુઆરી) ખંડણીકેસમાં કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જ્યારે મૃગીકુંડમાં સ્નાનના વિવાદ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આજે કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. પોલીસે દોઢ કલાક લાંબી પૂછપરછ કરી હતી. ત્યારબાદ કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનથી રવાના થઈ હતી. રવાના થતા પહેલા કહ્યું હતું કે, ‘સત્ય સનાતન છે અને સનાતન સત્ય છે. હર હર મહાદેવ.’

ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઇ મિતુલ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, કીર્તિ પટેલ ભવનાથમાં કઈ જગ્યાએ રોકાઈ હતી? કોની સાથે આવી હતી અને આ સમગ્ર જે વિવાદ સર્જાયો તેને લઈ જે બાબતો ધ્યાને આવી છે તે તમામ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.

તો બીજી તરફ ખંડણી કેસની આરોપી દિવ્યા સાવલાણીને આજે હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા આવતીકાલે ( 25 ફેબ્રુઆરી) બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી મામલે જામીન મળ્યા હતા સૌથી મોટો વિવાદ 20 લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેનો હતો. જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ નામના શખસ પાસે કીર્તિ પટેલે મોટી રકમની માગણી કરી હોવાની અને જો રકમ ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી, જોકે ગઈકાલે (23 ફેબ્રુઆરી) સાંજે જૂનાગઢ કોર્ટે આ કેસની ગંભીરતા અને રજૂ કરવામાં આવેલી દલીલોને ધ્યાને રાખીને કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા હતા. આ જામીન મળતાં જ કીર્તિને આંશિક રાહત મળી હતી

મૃગીકુંડ સ્નાન અને ધાર્મિક લાગણી દુભાવવાનો વિવાદ મહાશિવરાત્રિના મેળા દરમિયાન જૂનાગઢના ભવનાથમાં આવેલા પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવાનો મોટો વિવાદ સામે આવ્યો હતો. પરંપરા મુજબ મૃગીકુંડમાં માત્ર સાધુ-સંતો જ સ્નાન કરી શકે છે, પરંતુ કીર્તિ પટેલે શિવરાત્રિની રાત્રે પ્રતિબંધ હોવા છતાં મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પ્રભાસ પાટણના બજરંગદાસબાપુએ ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આજે કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. પોલીસે દોઢ કલાક લાંબી પૂછપરછ કરી હતી. પોલીસ સમક્ષ નિવેદન આપી કીર્તિ પટેલ રવાના થઈ હતી.

મહિલા PI સાથે ગેરવર્તણૂક અને ફરજમાં રુકાવટ મૃગીકુંડની ઘટના બાદ જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલે ફરજ પરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે અશોભનીય વર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. મહિલા અધિકારી સાથે દલીલબાજી અને પોલીસતંત્રના નિયમોના ઉલ્લંઘન બદલ તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પણ આગામી સમયમાં કીર્તિ સામે કાર્યવાહી થશે.

સાત દિવસમાં ત્રણ ફરિયાદ: કીર્તિ પટેલ માટે કપરાં ચઢાણ છેલ્લા એક અઠવાડિયામાં કીર્તિ પટેલ પર જૂનાગઢમાં જ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. પહેલા ખંડણી, પછી ધાર્મિક મર્યાદાનો ભંગ અને ત્યાર બાદ પોલીસ સાથે ગેરવર્તણૂક. આ ઘટનાક્રમ દર્શાવે છે કે કીર્તિ પટેલ સામે સાત દિવસમાં જે ત્રણ ગુના દાખલ થયા હતા.

ખંડણી કેસમાં આરોપી દિવ્ય સાવલાણીને હોસ્પિટલમાં રજા મળતા જ અટકાયત અબજલ સીડાને ધમકી અને ખંડણી કેસમાં કીર્તિ પટેલ સહિતના જે આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમાંની એક આરોપી દિવ્ય સાવલાણી છે. જેની સામે ગુનો નોંધાયા બાદ ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેને આજે રજા અપાતા પોલીસે ખંડણી કેસમાં અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે આવતીકાલે (25 ફેબ્રુઆરી) બપોરે સાડા ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખંડણી કેસમાં કીર્તિ પટેલને ગઈકાલે જામીન મળ્યા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજી પણ ફરાર છે.

ફરિયાદ નં.-1 કીર્તિ સામે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં મહિલા PI કે.જે.મોડ (જૂનાગઢ રેન્જ કચેરી) દ્વારા નોંધાવવામાં આવી હતી. આ મહિલા પોલીસ અધિકારીએ તેની સાથે ધમકી, શાંતિ ભંગ અને ફરજમાં રૂકાવટ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી.

ફરિયાદ નં.-2 ત્યાર બાદ 18 ફેબ્રુઆરીના રોજ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ કરી હતી. જૂનાગઢ પોલીસે આજે દોઢ કલાક લાંબી પૂછપરછ કરી હતી.

ફરિયાદ નં.-3 જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં અબજલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી. (આ કેસમાં કીર્તિ પટેલને 23 ફેબ્રુઆરીએ જામીન મળ્યા)

કીર્તિ પટેલના ત્રાસથી યુ ટ્યૂબર ‘જિદ્દી બોય’એ ફિનાઇલ પીધું મૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતાં જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ સીડાએ યુ ટ્યૂબ પર લાઈવ કર્યું હતું, જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડા(જિદ્દી બોય)એ બેવાર ફિનાઈલ ગટગટાવી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો હતો.

દિવ્યા સામે ફરિયાદ નોંધાયાના 12 કલાક બાદ દિવ્યા મીડિયા સમક્ષ આવી હતી અને પોતાની વાત રજૂ કરી હતી. ત્યારબાદ પોતે પણ ફિનાઈલ પી લીધી હતી અને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

​શું છે સમગ્ર વિવાદનું મૂળ? ​ફરિયાદી અબજલ સીડા, જે પોતે એક યુ ટ્યૂબર (ZIDI_boy_4848) છે, તેણે પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલે સાધુના વેશમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો હતો. અબજલના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલે ત્યાર બાદ સાધુ-સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યા હતા. ફરિયાદી મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવતો હોવાથી તેણે કીર્તિ પટેલના આ વીડિયોનો વિરોધ કરતાં વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.

કીર્તિ પટેલે ​વ્યૂઅર્સ ઘટતાં 20 લાખની ખંડણી માગ્યાનો આક્ષેપ ​અબજલે આક્ષેપ કર્યો છે કે તેના વિરોધપ્રદર્શનવાળા વીડિયોને કારણે કીર્તિ પટેલના વ્યૂઅર્સમાં મોટો ઘટાડો થયો હતો, આથી કીર્તી પટેલ અને તેના સાગરીતો—જૂનાગઢની દિવ્યા સાવલાણી, તેનો બોયફ્રેન્ડ જશપાલસિંહ, અને સુરતના હનુ રાણાભાઈ ચાવડા તથા વિરમ ચોથાભાઈ મેવાડાએ એકસંપ થઈને અબજલને ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર કોલ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેમણે અબજલને કહ્યું હતું કે તારા વીડિયોના કારણે અમારા વ્યૂઅર્સ ઘટી ગયા છે એટલે તારે કીર્તિ પટેલને 20 લાખ રૂપિયા આપવા પડશે.


Related Posts

Load more