સુરતમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમમાં ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર, પાટીલે ખેલ પાડ્યાની ચર્ચા

By: Nation Gujarat Team
18 Sep, 2026

Surat BJP Internal Rift ‘Ashirwad No Deevo’ Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત ભાજપ દ્વારા ‘આશીર્વાદનો દીવો’ ઉપક્રમ હેઠળ લાખો દીવડાં પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જો કે, આ કાર્યક્રમ બાદ શહેર ભાજપ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર અખબારી યાદીમાં ભાજપનું આંતરિક રાજકારણ અને જૂથબંધી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.

સુરત શહેર ભાજપની યાદીમાં વિવિધ હોદ્દેદારો, સંગઠનના નેતાઓ અને કાર્યક્રમોમાં પ્રગટાવવામાં આવેલા દીવડાંની વિગતવાર માહિતી અપાઈ હતી, પરંતુ સુરતના ચાર પ્રમુખ ધારાસભ્ય- પૂર્ણેશ મોદી, વિનોદ મોરડીયા, સંદીપ દેસાઈ અને કુમાર કાનાણીના નામનો તેમાં કોઈ ઉલ્લેખ ન હતો. ભાજપમાં જ આંતરિક સ્તરે એવી ચર્ચા છે કે, આ ખેલ સી.આર. પાટીલના ઈશારે પાડવામાં આવ્યો હતો.

અખબારી યાદી કે આંતરિક રાજકારણ?

સી.આર. પાટીલના ભાજપના પ્રદેશ પ્રમુખપદેથી નિવૃત્ત થયા બાદ અને તેમની નજીકના ગણાતા પરેશ પટેલ શહેર પ્રમુખ સ્થાને હોવાથી, આ બાદબાકી પાછળ પાટીલ વિરોધી જૂથની અવગણના કરવાની ગણતરી હોવાની પણ ભાજપમાં જ ચર્ચા થઈ રહી છે.

યાદીમાંથી બાકાત નેતાઓ પણ ‘સક્રિય’ રહ્યા

રસપ્રદ વાત એ છે કે, અખબારી યાદીમાં સ્થાન ન મળવા છતાં, આ તમામ ધારાસભ્યે પોતપોતાના વિસ્તારોમાં ધામધૂમથી દીવડાં પ્રગટાવવાના કાર્યક્રમો યોજીને સોશિયલ મીડિયા પર તેની વિગતો શેર કરી હતી. જેમ કે…
સંદીપ દેસાઈ (ચોર્યાસી): સણિયા કણદે તળાવે 51 હજાર દીવડાં પ્રગટાવ્યા.
પૂર્ણેશ મોદી (ડેપ્યુટી સ્પીકર): રામનગરના ટેઉરામ આશ્રમમાં 1008 દીવડાં સાથે મહાઆરતી યોજી. (સરકારી માહિતી મુજબ નાવડી ઓવારાના મુખ્ય કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત હતા).
વિનોદ મોરડીયા (કતારગામ): અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમના કાર્યક્રમમાં હાજરી આપી.
કુમાર કાનાણી (વરાછા): નાદુરસ્ત તબિયત વચ્ચે પણ પરિવાર સાથે નિવાસસ્થાને દીપ પ્રાગટ્ય કર્યું.

આમ, ભાજપ સંગઠનના વોર્ડ પ્રમુખોથી લઈને સુમન આવાસ (30 હજાર દીવા), મંદિરો (60 હજાર દીવા) અને બૂથ સ્તરે (3 લાખથી વધુ દીવા) પ્રગટાવીને વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના આંકડા આપનારી યાદીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપેક્ષા કરાતા સુરતના જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલન સામે સવાલો ઉઠ્યા છે. જો કે, ભાજપના કોઈ અગ્રણી આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.


Related Posts

Load more