મહંત સ્વામી મહારાજ ગોંડલ પધારતાં જ પરંપરાગત સાફા પહેરેલા ઉત્સાહી બાઈક સવાર યુવાનોએ નૂતન ગુરુકુળથી અક્ષરઘાટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અક્ષર બેન્ડના યુવાનોએ સુમધુર બેન્ડવાદન કરીને સ્વામીશ્રીને વાજતે-ગાજતે અક્ષર મંદિર પરિસરમાં પ્રવેશ કરાવ્યો હતો. સ્વામીશ્રીના આગમન માટે સમગ્ર પથ પર તાજા ફૂલોની મનોરમ અને રંગબેરંગી પુષ્પ રંગોળીઓ સજાવવામાં આવી હતી.
અક્ષર મંદિરે પધારીને સ્વામીશ્રીએ આદ્ય ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર અક્ષર દેરી તેમજ મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ગોલ્ફ કાર્ટમાં બેસી યોગી સ્મૃતિ મંદિરે પહોંચ્યા હતા અને ગુરુ યોગીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી. યોગી સભામંડપ ખાતે આયોજિત વિશેષ સભામાં વરિષ્ઠ સંતોએ કલાત્મક પુષ્પહાર પહેરાવીને સ્વામીશ્રીનું ભાવભર્યું સન્માન અને અભિવાદન કર્યું હતું.
આ વિશેષ અવસરે વ્રત અને તપ કરનારા ભાવિક ભક્તો માટે મહંત સ્વામી મહારાજે રૂબરૂ પારણાનું શરબત પ્રસાદીભૂત કરીને આશીર્વાદ આપ્યા હતા. ગોંડલ ખાતે તેમના પ્રત્યક્ષ સાંનિધ્યમાં દીપાવલી, ચોપડા પૂજન, નૂતન વર્ષ અને ભવ્ય અન્નકૂટ ઉત્સવ રંગેચંગે ઉજવાશે. આ ઉપરાંત તેમના રોકાણ દરમિયાન સ્વાગત દિન, બાળ દિન, યુવા દિન અને ગ્રામ્ય દિન નિમિત્તે પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પધારીને સત્સંગ, દર્શન અને મહાપ્રસાદનો દિવ્ય લાભ લઈ રહ્યા છે.