વીરપુરમાં જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ: બીજી દિવાળી જેવો ઉત્સાહ, શોભાયાત્રા અને ૨૨૬ કિલો પ્રસાદ વિતરણ

By: nationgujarat
29 Oct, 2025

રાજકોટ: યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામજનોએ બીજી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. ઘેર ઘેર આતશબાજી કરીને ફટાકડા ફોડવામાં આવ્યા, અવનવી રંગોળીઓ બનાવવામાં આવી અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા વીરપુરના મુખ્ય માર્ગો પર ફરી વળી, જેમાં ગ્રામજનો સહિત હજારો ભાવિક ભક્તો જોડાયા હતા.

દેશ-વિદેશમાં ભજન, ભોજન અને ભક્તિનો ડંકો વગાડનાર પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિને લઈને વીરપુર વાસીઓએ ઘેર ઘેર આંગણે પૂજ્ય બાપાના જીવનચરિત્ર તેમજ પરચાની આબેહૂબ રંગોળીઓ બનાવી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, દિવાળીમાં તો બધા રંગોળી કરે છે, પરંતુ વીરપુરમાં આજે જાણે સાચી દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું છે. ફૂલહાર, આસોપાલવના તોરણ બાંધીને સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું હતું. વીરપુરમાં ફટાકડા ફોડીને આતશબાજી કરી પૂજ્ય જલારામ બાપાના જન્મદિનના વધામણાં કરવામાં આવી રહ્યા હતા.સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભાવિકોને ૨૨૬ કિલો બુંદી-ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. પૂજ્ય જલારામ બાપાએ ૨૦૦ વર્ષ પહેલાં બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી, તેને યાદ કરીને આ વર્ષે ૨૨૬મી જન્મજયંતિ પ્રસંગે ૨૨૬ કિલો પ્રસાદ વિતરણ કરાયો હતો. વીરપુર વાસીઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

“જયા ટુકડો ત્યા હરી ઢુકડો”ને જીવનમંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે ૨૨૬મી જન્મજયંતિ છે. બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી. દેશ-વિદેશથી આવેલા ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા. મંદિરની બંને બાજુ એક-એક કિલોમીટરની કતારો લાગી ગઈ હતી.

આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા-અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂકાયા હતા. જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુરવાસીઓએ ઘરે ઘરે રંગોળી, દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કર્યો હતો. અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવનકવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે. તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર પાણી, સરબત તેમજ છાશના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે જ્યોત્સવ સમિતિ દ્વારા ૨૨૬ કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે.

Related Posts

Load more