દુનિયાના નવા નક્શાને UN ની મંજૂરી, અમેરિકા-યુરોપનો આકાર ઘટશે, આફ્રિકા દેખાશે મોટું

By: Nation Gujarat Team
05 Sep, 2026

Equal Earth Map: દુનિયાનો નકશો હવે પહેલા જેવો નહીં રહે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)એ એક નવા વિશ્વ નકશાને મંજૂરી આપી છે, જેમાં ખંડોનું કદ એકબીજાની સરખામણીમાં વધુ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ નવા નકશામાં આફ્રિકા પહેલા કરતાં મોટું નજરે પડશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનું ક્ષેત્રફળ નાનું દેખાશે. આ પ્રસ્તાવના સમર્થનમાં 164 દેશોએ મતદાન કર્યું હતું, 6 દેશો વોટિંગથી દૂર રહ્યા હતા, જ્યારે અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

શા માટે જૂના નકશામાં આફ્રિકા નાનું દેખાતું હતું?

નવા નકશાને ‘ઈક્વલ અર્થ’ (Equal Earth) નામ આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ વિશ્વના વિવિધ ભાગોને તેમના વાસ્તવિક વિસ્તારની નજીક દર્શાવવાનો છે. અગાઉ 1569માં ગેરાર્ડસ મર્કેટર દ્વારા તૈયાર કરાયેલા મર્કેટર નકશામાં દરિયાઈ મુસાફરોને સીધી દિશા બતાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ગોળ પૃથ્વીને ચોરસ કાગળ પર સીધી રેખાઓમાં ઉતારવા જતાં, ધ્રુવીય વિસ્તારો (ઉત્તર અને દક્ષિણ ભાગ) જરૂર કરતાં વધુ મોટા દેખાવા લાગ્યા હતા. જેના કારણે યુરોપ, ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ તેમના વાસ્તવિક કદ કરતાં મોટા દેખાતા હતા, જ્યારે વિષુવવૃત્ત પાસે આવેલા આફ્રિકા અને ભારત જેવા વિશાળ વિસ્તારો સંકોચાઈને નાના થઈ ગયા હતા. વાસ્તવિકતા એ છે કે આફ્રિકા એકલું ગ્રીનલેન્ડ કરતાં 14 ગણું મોટું છે, પરંતુ મર્કેટર નકશામાં બંને લગભગ સરખા દેખાતા હતા.

‘ઈક્વલ અર્થ’ પ્રોજેક્શનને 2018માં કાર્ટોગ્રાફર્સ (નકશાકારો) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં વિશ્વના તમામ ખંડોને તેમના સાચા ક્ષેત્રફળ અનુસાર દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. આ નકશામાં આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ એશિયા અને ઓશેનિયા પહેલાં કરતાં મોટાં જોવા મળશે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનું કદ નાનું દેખાશે. આ પ્રસ્તાવ ટોગો દેશના વિદેશ મંત્રી રોબર્ટ ડુસી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નકશા માત્ર સ્થળોની માહિતી નથી આપતા, પરંતુ લોકોના વૈશ્વિક દ્રષ્ટિકોણને પણ અસર કરે છે. જો નકશા ખોટું કદ બતાવે, તો તે ગેરસમજ પેઢીઓ સુધી સચવાયેલી રહે છે.

અમેરિકાનો વિરોધ અને UNનો નિર્ણય

આ પ્રસ્તાવ પર અમેરિકાએ સખત વાંધો વ્યક્ત કર્યો હતો. અમેરિકન પ્રતિનિધિ યારિના ફેરેન્સવિચે કહ્યું હતું કે જ્યારે વિશ્વ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે UN 16મી સદીના નકશાઓ પર ચર્ચા કરીને સમય બગાડી રહ્યું છે અને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. આમ છતાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને તમામ સભ્ય દેશોને મર્કેટર પ્રોજેક્શનના સ્થાને ‘ઈક્વલ અર્થ’ નકશાનો ઉપયોગ કરવા અપીલ કરી છે, જેથી આવનારી પેઢીઓ વિશ્વના ભૂગોળને તેની સાચી બનાવટ સાથે સમજી શકે.


Related Posts

Load more