સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. છેલ્લા બે દિવસથી ધડાધડ ભાજપ પક્ષ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. ગત મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા.આ સાથે જ ભાજપે ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, જંબુસર નગરપાલિકા, ભરૂચ જિલ્લા પંચાયત, જંબુસર તાલુકા પંચાયત, આમોદ તાલુકા પંચાયત, વાગરા તાલુકા પંચાયત, અંક્લેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત, ભરૂચ તાલુકા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત, વાલીયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતની પણ યાડી જાહેર કરી દેવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલી યાદી જાહેર થયા બાદ બીજી યાદીમાં બે વોર્ડમાં નામ બદલવામાં આવ્યા છે. 48 વોર્ડમાંથી માત્ર 34 વોર્ડમાં જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.
વિવાદિત 14 વોર્ડના ઉમેદવારના નામની હજુ પણ જાહેર કરવામાં આવી નથી. જોધપુર, દરિયાપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે. ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી.
સરદાર પટેલ સ્ટેડિયમ, કુબેરનગર, અસારવા, મણિનગર, લાંભા વોર્ડમાં ત્રણ-ત્રણ ઉમેદવારોના જ નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વટવામાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં જોવા મળતા અને ભાજપ સાથે પરિવાર જોડાયેલો હોવાથી સોએબઅલી સાબિરઅલી રાજપૂતની ટિકિટ કાપવામાં આવી છે.ચાંદલોડિયા વોર્ડમાં પહેલી યાદીમાં ચંદ્રકાંત ગજ્જરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ AMCની મતદાર યાદીમાં નામ ન હોવાથી હવે તેના બદલે તેના પુત્ર પૂરવ ગજ્જરને ટિકિટ આપવામાં આવી છે.
પહેલી યાદીમાં જાહેર કરવામાં આવ્યા બાદ ગોતા વોર્ડમાં તન્વીબેન દરજીનું નામ બદલવામાં આવ્યું છે. નરોડામાં મહેન્દ્રસિંહ ગોહિલને પણ બદલવામાં આવ્યા છે. નવરંગપુરામાં ભાવનાબેન જાડેજાનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેમનું નામ પણ બદલવામાં આવ્યું છે. ઓઢવના ગોવિંદ દેસાઇએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા તે નામ બદલીને યુવા નેતા કપિલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. ઇન્દ્રપુરીમાં ધનીબેન જાદવ અને ગુણવંતીબેન રાવનું નામ બદલીને પ્રિયંકા પારેખ અને નેહાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.વિવાદિત વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત સત્તાવાર કરવામાં આવી નથી. 14 વોર્ડના ઉમેદવારોને સીધા મેન્ડેડ આપવામાં આવશે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે ઉમેદવારોના મેન્ડેટ પ્રભારીઓને સીધા ઓફિસ સુધી પહોંચાડવાની પ્રભારીઓને સૂચના આપવામાં આવી છે.
ચાંદખેડા વોર્ડમાં આખરે વિવાદ બાદ પણ પેનલ જાહેર કરવામાં આવી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપેલું નામ જ નક્કી કરવામાં આવ્યું છે. સુબોધ કુમુદને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી કાર્યકર્તાઓમાં માંગ છતાં ધારાસભ્યએ આપેલા નામ પર મહોર લગાવવામાં આવી છે.