Strategic defense news India: ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ફેબ્રુઆરી 2025 માં થયેલો મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ કરાર જાન્યુઆરી 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. આ કરાર હેઠળ બંને દેશો હવે એકબીજાની સૈન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે અને મર્યાદિત સંખ્યામાં સૈનિકો તથા શસ્ત્રો તૈનાત કરી શકશે.
RELOS કરાર શું છે?
આ સમજૂતીનું પૂરું નામ ઇન્ડો-રશિયન રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) છે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં તેને મંજૂરી આપી હતી. આ કરારની મુખ્ય શરતોમાં બંને દેશો એકસાથે મહત્તમ 3,000 સૈનિકો એકબીજાના ક્ષેત્રમાં તૈનાત કરી શકશે. આ ઉપરાંત નૌકાદળ અને વાયુસેના એક સમયે 5 યુદ્ધજહાજ અને 10 સૈન્ય વિમાનોની અવરજવર અને તૈનાતીની છૂટ રહેશે. આ સુવિધા શરૂઆતમાં 5 વર્ષ માટે રહેશે, જેને પરસ્પર સંમતિથી વધુ 5 વર્ષ માટે લંબાવી શકાશે.
ભારતને શું થશે ફાયદો?
આ કરાર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ભારતને હવે રશિયાના આર્કટિક ક્ષેત્રમાં આવેલા નૌકાદળ અને હવાઈ મથકો સુધી પહોંચ મળશે. ભારતીય સેના પાસે રશિયન મૂળના અનેક શસ્ત્રો છે. આ કરારથી તેમની મરામત અને સ્પેરપાર્ટ્સ મેળવવાનું કામ સરળ બનશે. બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલીમ અને માનવીય મિશનમાં વધુ ગતિ આવશે.
સહાયતાના ક્ષેત્રો
આ કરાર માત્ર સૈનિકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સાધન-સામગ્રીના સંચાલનનો પણ સમાવેશ થાય છે. જેમાં યુદ્ધજહાજો માટે ઈંધણ, ખોરાક અને ટેકનિકલ સંસાધનોની આપ-લે ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલ, એરોનોટિકલ ડેટા અને વિમાનોના પાર્કિંગની સુવિધા અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક સ્થિતિ વચ્ચે આ કરાર ભારત અને રશિયાની સૈન્ય સજ્જતાને વધુ મજબૂત બનાવશે.